પુતિનના ભારત પ્રવાસ પહેલા રશિયાથી ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો: બંને દેશોના સંબંધો પર પ્રશ્નચિહ્ન

છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા અને ભારત વચ્ચેનો વેપાર, ખાસ કરીને એનર્જી ક્ષેત્રમાં, ઝડપી રીતે વધ્યો હતો, પરંતુ તાજેતરના અમેરિકન દબાણને કારણે ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

New Update
putin

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આગામી ભારત મુલાકાત પહેલાં બંને દેશોના ઊર્જા-સંબંધોમાં નવા બદલાવ જોવા મળી રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા અને ભારત વચ્ચેનો વેપાર, ખાસ કરીને એનર્જી ક્ષેત્રમાં, ઝડપી રીતે વધ્યો હતો, પરંતુ તાજેતરના અમેરિકન દબાણને કારણે ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા દ્વારા ભારતમાં 50 ટકા જેટલા ટેરિફ લાગુ કરાયા બાદ રશિયન કાચા તેલની આયાત વ્યવહારિક રીતે વધુ મુશ્કેલ બની છે.

ફેબ્રુઆરી 2022માં રશિયા–યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું હતું, પરંતુ પશ્ચિમના વધતા દબાણને કારણે હવે આ નીતિમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.

સત્તાવાર વેપાર આંકડા દર્શાવે છે કે ઓક્ટોબર 2025માં રશિયાથી આયાતમાં વાર્ષિક ધોરણે 27.7 ટકા ઘટાડો નોંધાયો છે, જે 6.7 અબજ ડોલરથી ઘટીને 4.8 અબજ ડોલર પર આવી ગયો છે. આ ઘટાડો મુખ્યત્વે રશિયન ક્રૂડની ખરીદીમાં થયેલા 30 ટકા જેટલા ઘટાડાને કારણે છે.

દિલ્હી સ્થિત થિંક ટેન્ક જીટીઆરઆઈના વડા અજય શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, ભારતીય રિફાઇનર્સ અમેરિકન પ્રતિબંધોની અસર હેઠળ છે, ખાસ કરીને રોઝનેફ્ટ અને લુકોઇલ જેવી રશિયાની મોટી ઓઇલ કંપનીઓ પર લાગેલા પ્રતિબંધોને કારણે. આ કંપનીઓ પાસેથી ખરીદી લગભગ અડધાથી વધુ ઘટીને હવે માત્ર પ્રતિબંધમુક્ત કંપનીઓ પાસેથી આયાત ચાલુ છે. આ દર્શાવે છે કે ભારત અમેરિકાની વ્યૂહાત્મક ચિંતાઓને ધ્યાનમાં રાખીને વિચારપૂર્વક પગલા ભરી રહ્યું છે.

જો કે, નિષ્ણાતો માને છે કે આ ઘટાડાનો ભારત-રશિયા સંબંધો પર લાંબા ગાળે ખાસ પ્રભાવ નહીં પડે. દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર રાજન કુમારના જણાવ્યા મુજબ, ભારત-રશિયા સંબંધો માત્ર વેપાર સુધી સીમિત નથી. બંને દેશોના સંબંધો રક્ષણ સહકાર, ટેક્નોલોજીકલ ભાગીદારી અને વ્યૂહાત્મક વિશ્વાસ પર આધારિત છે.

યુક્રેન યુદ્ધ પહેલા બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર 10 અબજ ડોલર જેટલો હતો, જ્યારે છેલ્લાં બે વર્ષમાં તે 67 અબજ ડોલર સુધી પહોંચ્યો. છતાંય, એ સંબંધોનું મુખ્ય આધાર ‘એનર્જી ટ્રેડ’ નહોતું, પરંતુ દાયકાઓથી ચાલતા સૈન્ય અને ટેક્નોલોજીકલ સંબંધો હતા, જે આજે પણ મજબૂત છે.

ભારતની રક્ષણક્ષેત્રની 60–70 ટકા જરૂરિયાતો આજે પણ રશિયા પર આધાર રાખે છે. આધુનિક સૈન્ય ટેકનોલોજી, મિસાઇલ સિસ્ટમ, ન્યુક્લિયર સબમરીન અને ફાઇટર જેટ્સ જેવા ક્ષેત્રોમાં રશિયા ભારતનો સૌથી મોટો અને વિશ્વસનીય ભાગીદાર છે.

વિશ્વ રાજનીતિમાં ચાલતા ‘ટ્રેડ વોર’ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અસ્થિર અને અનિશ્ચિત વલણને ધ્યાનમાં રાખીએ તો ભારત માટે રશિયા સાથેનો વ્યૂહાત્મક સંબંધ વધુ મહત્વનો બની જાય છે. ભારત અમેરિકા સાથેના સંબંધોમાં સુધારો લાવવા ઇચ્છે છે, પરંતુ સંપૂર્ણ નિર્ભરતા માટે તે પોતાને તૈયાર નથી — ખાસ કરીને સુરક્ષા અને ડિફેન્સ ક્ષેત્રમાં.

પુતિનની ભારત મુલાકાત એવા સમયમાં આવી રહી છે જ્યારે વિશ્વભરમાં ભૂરાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. જોકે, નિષ્ણાતો માને છે કે તાત્કાલિક વેપાર સંબંધોમાં થોડો ફેરફાર થવા છતાં ભારત અને રશિયાની વર્ષોથી ચાલી આવતી વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત જ રહેશે, કારણ કે બંને દેશો એકબીજાને લાંબા ગાળે વિશ્વસનીય ભાગીદાર તરીકે જોવે છે.

Latest Stories