/connect-gujarat/media/media_files/2025/12/14/attack02-2025-12-14-13-18-17.jpg)
યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાએ વધુ એક ભયાનક અને વ્યાપક હુમલો કર્યો છે, જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો ગંભીર રીતે ખોરવાઈ ગયો છે.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ એક જ ઝુંબેશમાં 450થી વધુ ડ્રોન અને અંદાજે 30 મિસાઇલોના ઉપયોગ સાથે ઊર્જા સંબંધી મહત્વપૂર્ણ ઢાંચાને નિશાન બનાવ્યું. આ હુમલાઓના કારણે દક્ષિણ અને પૂર્વ યુક્રેનના અનેક શહેરોમાં અંધકાર છવાઈ ગયો છે અને લાખો નાગરિકોના દૈનિક જીવન પર તેની ગંભીર અસર પડી છે. કટોકટી સેવાઓ અને ટેકનિકલ ટીમો સતત કામગીરી કરીને વીજ પુરવઠો અને પાણીની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે.
ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનમાં કહ્યું કે, રશિયાએ ફરી એકવાર નાગરિકોની મૂળભૂત જરૂરિયાતોને નિશાન બનાવીને યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, દક્ષિણ યુક્રેન અને ખાસ કરીને ઓડેસા વિસ્તારમાં થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા બે લોકો ઘાયલ થયા છે. રાતોરાત થયેલા આ હુમલાઓમાં એક ડઝનથી વધુ નાગરિક સુવિધાઓને નુકસાન થયું છે, જેના કારણે હજારો પરિવારો વીજળી વિના જીવન જીવવા મજબૂર બન્યા છે. વીજ પુરવઠો ખોરવાયેલા વિસ્તારોમાં કિરોવોહ્રાદ, માયકોલાઈવ, ઓડેસા, સુમી, ખાર્કિવ, ખેરસન અને ચેર્નિહાઈવ જેવા મહત્વપૂર્ણ પ્રદેશોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપ્રમુખે વધુમાં જણાવ્યું કે રશિયાના આક્રમણ બાદ યુક્રેનના અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન સ્થિતિને સ્થિર કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે અને હોસ્પિટલ, પાણી પુરવઠા તથા અન્ય આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે પ્રાથમિકતા આધારિત કામગીરી હાથ ધરાઈ છે. તેમનું કહેવું છે કે, આવા હુમલાઓથી સ્પષ્ટ થાય છે કે રશિયાને યુદ્ધ સમાપ્ત કરવાનો કોઈ ઈરાદો દેખાતો નથી અને તે નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને દબાણ વધારવાની નીતિ અપનાવી રહ્યું છે.
ઝેલેન્સ્કીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ મુદ્દે કડક વલણ અપનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે મોસ્કોની આ કાર્યવાહી માત્ર યુક્રેન વિરુદ્ધ નહીં, પરંતુ માનવતા અને આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે, જેને સ્પષ્ટ રીતે ઓળખીને તેનો જવાબ આપવો જરૂરી છે. સતત થતી આ પ્રકારની હવાઈ હુમલાઓ વચ્ચે યુક્રેન માટે આવનારા દિવસો વધુ પડકારજનક બની રહ્યા છે, જ્યારે સામાન્ય નાગરિકો કડકડતી ઠંડી અને અંધકાર વચ્ચે જીવન ચલાવવા મજબૂર થઈ રહ્યા છે.