/connect-gujarat/media/media_files/2025/11/26/attack-2025-11-26-16-22-05.jpg)
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો યુદ્ધ ફરી ભડક્યો છે અને અમેરિકાની શાંતિ સમજૂતી માટેના પ્રયત્નોની વચ્ચે થયેલા હુમલાઓએ પરિસ્થિતિ વધુ તણાવસભર બનાવી દીધી છે.
રશિયાએ યુક્રેનની રાજધાની કીવને નિશાન બનાવીને રાતભર ભારે મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, જેમાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત નિપજ્યા છે. આ હુમલાઓમાં કીવની અનેક ઈમારતો અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે અને હીટિંગ સિસ્ટમ પણ બંધ થઇ ગઈ છે.
યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ કુલ 22 મિસાઇલ અને આશરે 460 ડ્રોન છોડયા, જેનો મુખ્ય હેતુ કીવ અને તેની આસપાસની ઊર્જા વ્યવસ્થાને ધ્વસ્ત કરવાનો હતો. ઉર્જા મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે, પરંતુ વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ, યુક્રેન દ્વારા કરવામાં આવેલા પ્રત્યોત્તર હુમલામાં દક્ષિણ રશિયામાં ત્રણ લોકોનાં મોત થયા છે અને અનેક મકાનોને નુકસાન થયું છે.
આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે અમેરિકા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે નવી શાંતિ યોજના પર મંત્રણા શરૂ કરી રહ્યું છે. માહિતી મુજબ, અમેરિકાના આર્મી સેક્રેટરી ડેન ડ્રિસ્કોટે અબુ ધાબીમાં રશિયન અધિકારીઓ સાથે કલાકો સુધી ચર્ચા કરીને સંભવિત સમજૂતીના મુદ્દાઓ પર કામ કર્યું છે. ઝેલેન્સ્કીએ પણ કહ્યું છે કે જિનિવામાં અમેરિકન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા બાદ યુદ્ધના અંત માટે જરૂરી પગલાઓની યાદી તૈયાર થઈ છે અને હવે તેઓ બાકી રહેલા સંવેદનશીલ મુદ્દાઓ પર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સીધી ચર્ચા કરશે.
પરિસ્થિતિ ફરી ગંભીર બની રહી છે અને શાંતિ સપનાથી વધુ દૂર સરકતી દેખાઈ રહી છે, કારણ કે બંને દેશો ફરીથી એકબીજા પર હુમલા તેજ કરી રહ્યા છે.