રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથે યુદ્ધમાં સમાધાન અંગે વાતચીત કરવા તૈયાર છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, પુતિને કહ્યું હતું કે ભારત, ચીન અથવા બ્રાઝિલ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી શકે છે.
રશિયાના શહેર વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEZ)માં વાતચીત દરમિયાન પુતિને કહ્યું હતું કે 2022માં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ઈસ્તાંબુલે બંને દેશો વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે એ શરતો ક્યારેય લાગુ કરવામાં આવી ન હતી. હવે નવેસરથી મંત્રણા શરૂ કરવા માટે અગાઉના પ્રયાસોનો આધાર બનાવી શકાય છે.પુતિનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે PM મોદી લગભગ બે મહિના પહેલાં 8 જુલાઈના રોજ રશિયાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે પુતિન સાથે યુદ્ધ રોકવાની ચર્ચા કરી. એના થોડા સમય બાદ પીએમ મોદી પણ 23 ઓગસ્ટના રોજ યુક્રેનની પ્રથમ મુલાકાતે ગયા હતા.