/connect-gujarat/media/media_files/2025/12/21/odesha-2025-12-21-15-27-21.jpg)
રશિયાએ યુક્રેનને સમુદ્રથી સંપૂર્ણ રીતે કાપી નાખવાના અભિયાનને વધુ આક્રમક બનાવતાં વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વના ઓડેશા બંદર પર વિનાશક હુમલો કર્યો છે.
બ્લેક સી કિનારે આવેલા આ પોર્ટ સિટીમાં થયેલા ભારે હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે જ્યારે 27થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પુષ્ટિ સ્થાનિક પ્રશાસને કરી છે. છેલ્લા નવ દિવસથી સતત ચાલતા હુમલાઓના કારણે ઓડેશા શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો છે, જ્યારે બંદરની ઈન્ફ્રાસ્ટ્રકચર અને અનેક જહાજોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલાને રશિયાની બ્લેક સી વિસ્તારમાં તેની હાજરી મજબૂત કરવાની અને યુક્રેનના સમુદ્રી માર્ગોને બંધ કરવાની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવી રહ્યો છે.
રશિયાના આ હુમલાની પૃષ્ઠભૂમિમાં યુક્રેન દ્વારા કરવામાં આવેલા વળતા પ્રહારોને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તાજેતરમાં યુક્રેનિયન ડ્રોન્સે કાસ્પિયન સમુદ્રમાં આવેલી રશિયાની ફિલાનોવ્સ્કી ઓઇલ રિગ પર હુમલો કર્યો હતો. આ રિગ રશિયાની ઊર્જા જાયન્ટ લ્યુકોઇલની હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રિગની નજીક તૈનાત લશ્કરી રખેવાળ જહાજને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. કાસ્પિયન સમુદ્રમાં ડ્રિલિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર પર યુક્રેનનો આ પ્રથમ સત્તાવાર હુમલો હોવાનું માનવામાં આવે છે. જો કે આ રિગ પર ડિસેમ્બર પહેલાં પણ બે વખત હુમલા થઈ ચૂક્યા છે. યુક્રેનના આ હુમલાઓમાં રશિયાને કેટલું નુકસાન થયું તે અંગે મોસ્કોએ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરી નથી.
યુદ્ધના મેદાનમાં રશિયા પૂર્વી યુક્રેનમાં પણ આગળ વધ્યાનો દાવો કરી રહ્યું છે. રશિયાના કહેવા મુજબ તેણે પૂર્વી ડોનેત્સ્ક પ્રાંતના સ્વિટલ વિસ્તારમાં આવેલા કેટલાક ગામડાઓ પર કબ્જો કર્યો છે, તેમજ ઉત્તરપૂર્વી સુમી રિજનમાં વ્યોસ્ક વિસ્તાર પણ તેના નિયંત્રણમાં આવી ગયો છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. બીજી તરફ યુક્રેન પણ રશિયાની લશ્કરી અને ઊર્જા સંપત્તિઓને નિશાન બનાવી તેના પ્રહારોને વિસ્તૃત કરી રહ્યું છે, જેનાથી યુદ્ધ વધુ જટિલ અને વ્યાપક બનતું જઈ રહ્યું છે.
આ તમામ વચ્ચે રાજનૈતિક સ્તરે શાંતિના પ્રયાસો પણ તેજ બન્યા છે. અમેરિકા યુરોપ, યુક્રેન અને રશિયા સાથે શાંતિ મંત્રણાને વેગ આપવા માટે સક્રિય બન્યું છે. આ અંતર્ગત અમેરિકન અધિકારીઓ યુરોપિયન દેશો અને યુક્રેનના પ્રતિનિધિઓ સાથે અલગ-અલગ બેઠક કરશે, ત્યારબાદ રશિયન પ્રવક્તા દમિત્રિ સાથે ચર્ચા કરવાની યોજના છે. જોકે, એક તરફ શાંતિની વાતચીતના પ્રયાસો અને બીજી તરફ યુદ્ધની વધતી તીવ્રતા એ સ્પષ્ટ કરે છે કે યુક્રેન સંઘર્ષ હાલમાં વધુ ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે, જ્યાં સૈન્ય કાર્યવાહી અને રાજનૈતિક પ્રયત્નો બંને સમકક્ષ રીતે ચાલી રહ્યા છે.