રશિયાનો યુક્રેન પર ઘાતક ડ્રોન-મિસાઇલ હુમલો, શાંતિ પ્રયાસોને મોટો ઝટકો

ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, આ હુમલો નાતાલ પૂર્વે એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે લોકો પોતાના પરિવારજનો સાથે ઘરમાં સુરક્ષિત રહેવાની આશા રાખે છે.

New Update
rus,ukr

રશિયાએ સોમવાર રાતે યુક્રેન પર 650થી વધુ ડ્રોન અને ત્રણ ડઝન જેટલી મિસાઇલો દાગી હતી.

આ વ્યાપક હુમલો રાત દરમિયાન શરૂ થયો હતો અને મંગળવાર સુધી ચાલુ રહ્યો હતો. યુક્રેનના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ચાર વર્ષના બાળક સહિત કુલ ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન નોંધાયું છે.

યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેનના 13 વિસ્તારોમાં રહેણાંક મકાનો અને વીજળીના ગ્રીડને નિશાન બનાવ્યા હતા. કડકડતી ઠંડી વચ્ચે થયેલા આ હુમલાના કારણે વ્યાપક સ્તરે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે સામાન્ય જનજીવન ભારે અસરગ્રસ્ત બન્યું છે.

ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું હતું કે આ હુમલાથી સ્પષ્ટ થાય છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેન સામેના હુમલા ચાલુ રાખવાના પોતાના ઇરાદા પર અડગ છે. યુક્રેન તથા યુરોપિયન અધિકારીઓએ પણ દાવો કર્યો છે કે પુતિન અમેરિકાના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા શાંતિ પ્રયાસોમાં ગંભીરતાથી સહકાર આપી રહ્યા નથી.

ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, આ હુમલો નાતાલ પૂર્વે એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે લોકો પોતાના પરિવારજનો સાથે ઘરમાં સુરક્ષિત રહેવાની આશા રાખે છે. આ હુમલાનો સમય ખાસ કરીને ચિંતાજનક છે, કારણ કે તે એવા તબક્કે થયો છે જ્યારે યુદ્ધ સમાપ્ત કરવા માટે કૂટનીતિક મંત્રણા અને સંવાદના પ્રયત્નો ચાલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ કરાર માટે બંને દેશો પર દબાણ કરી રહ્યા છે, પરંતુ મોસ્કો અને કીવની અલગ-અલગ માંગણીઓના કારણે મંત્રણા આગળ વધી શકી નથી. આ વચ્ચે અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકોફે જણાવ્યું હતું કે ફલોરિડામાં યુક્રેનિયન અને યુરોપિયન પ્રતિનિધિઓ સાથે તેમની સકારાત્મક મંત્રણા થઈ હતી. ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે શાંતિ માટેની ચર્ચા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, જોકે જમીન પરની સ્થિતિ હજુ પણ ગંભીર બની રહી છે.

Latest Stories