બેલારૂસમાં રશિયાનો હાઇપરસોનિક મિસાઇલ બેઝ: યુરોપની ચિંતા વધી

મળતી માહિતી અનુસાર, રશિયા તેની પરમાણુ ક્ષમતાવાળી ‘ઓરેશ્રિક’ હાઇપરસોનિક મિસાઇલને બેલારૂસના પૂર્વી ભાગમાં આવેલા એક જૂના સૈન્ય બેઝ પર તૈનાત કરી રહ્યું છે.

New Update
russia

અમેરિકી સેટેલાઇટ ઈમેજરીના આધારે ખુલાસો થયો છે કે રશિયા બેલારૂસમાં અત્યંત ઝડપથી હાઇપરસોનિક મિસાઇલ બેઝ તૈયાર કરી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર, રશિયા તેની પરમાણુ ક્ષમતાવાળી ‘ઓરેશ્રિક’ હાઇપરસોનિક મિસાઇલને બેલારૂસના પૂર્વી ભાગમાં આવેલા એક જૂના સૈન્ય બેઝ પર તૈનાત કરી રહ્યું છે. આ સમગ્ર ગોઠવણ ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહી છે, જેને કારણે રશિયાને યુરોપીયન વિસ્તારમાં વ્યૂહાત્મક સરસાઈ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

રક્ષણ નિષ્ણાતોના મતે, બેલારૂસમાં ઓરેશ્રિક મિસાઇલની તૈનાતી યુરોપ માટે મોટું સંકેત છે. જો યુરોપીયન દેશો યુક્રેન યુદ્ધને લઈને રશિયા સામે કોઈ કડક નિર્ણય લેવાનું વિચારે, તો હવે તેમને તેના પરિણામો પર ફરી વિચારવું પડી શકે છે. બેલારૂસની ભૂગોળીય સ્થિતિ એવી છે કે ત્યાંથી યુરોપના અનેક મહત્વપૂર્ણ શહેરો રશિયાની મિસાઇલ રેન્જમાં આવી જાય છે, જેનાથી રશિયાની દબાણની ક્ષમતા વધી જાય છે.

ઓરેશ્રિક મિસાઇલ એક ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે, જેની ઝડપ અંદાજે પ્રતિ કલાક 12,000 કિલોમીટર હોવાનું કહેવાય છે. તેની મહત્તમ રેન્જ લગભગ 5,500 કિલોમીટર સુધીની છે, એટલે કે તે યુરોપના મોટા ભાગના વિસ્તારોને સરળતાથી નિશાન બનાવી શકે છે. આ મિસાઇલ પરમાણુ શસ્ત્રો ઉપરાંત પરંપરાગત હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે.

રશિયાએ નવેમ્બર 2024માં યુક્રેન સામે આ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ તેની ક્ષમતાને લઈને વૈશ્વિક સ્તરે ચર્ચા શરૂ થઈ હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો છે કે ઓરેશ્રિક મિસાઇલને રોકવી લગભગ અશક્ય છે, કારણ કે તે હાઇપરસોનિક ગતિએ આગળ વધે છે અને એકસાથે અનેક લક્ષ્યો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત, તેમાં આધુનિક અને નવા પ્રકારના શસ્ત્રો લગાવી શકાય છે, જે તેની મારક ક્ષમતાને વધુ વિસ્તારે છે.

આ પરિસ્થિતિ વચ્ચે હવે સમગ્ર વિશ્વની નજર બેલારૂસ અને યુરોપીયન સુરક્ષા પરિસ્થિતિ પર ટકી છે. નિષ્ણાતો માને છે કે બેલારૂસમાં હાઇપરસોનિક મિસાઇલ બેઝનું નિર્માણ યુક્રેન યુદ્ધને વધુ જટિલ બનાવી શકે છે અને યુરોપમાં શીત યુદ્ધ જેવી સ્થિતિ ફરી સર્જાઈ શકે છે.

Latest Stories