/connect-gujarat/media/media_files/2025/06/08/Jb6Kj5K4Gqsm4wou6mC1.jpg)
યુક્રેન–રશિયા યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારત સહિત દુનિયાના અનેક દેશો કૂટનૈતિક પ્રયાસો કરી રહ્યા છે, તે વચ્ચે રશિયાએ ફરી એકવાર પોતાની સૈન્ય શક્તિનું આક્રમક પ્રદર્શન કર્યું છે.
મહત્વની શાંતિ ચર્ચાઓ પહેલાં જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો સૈન્ય હુમલો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી વચ્ચે યુદ્ધવિરામ અને શાંતિ પ્રયાસોને લઈને મહત્વપૂર્ણ બેઠક થવાની છે. કૂટનૈતિક પ્રયાસોની વચ્ચે થયેલા આ હુમલાએ યુરોપમાં ફરી તણાવ વધારી દીધો છે.
27 ડિસેમ્બરની રાત્રે કિવ પર મોટી માત્રામાં મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સાથે સાથે ડ્રોન હુમલાઓ પણ થયા હતા. એક સાથે થયેલા આ હુમલાઓથી રાજધાની કિવ હચમચી ગઈ હતી અને શહેરમાં સતત વિસ્ફોટોના અવાજો સંભળાતા રહ્યા હતા. કિવ ઇન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર, રશિયાએ બેલિસ્ટિક મિસાઇલ દ્વારા ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં કિંઝાલ હાઇપરસોનિક મિસાઇલ, ચાર ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલ અને અનેક કૈલિબ ક્રુઝ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માત્ર કિવ જ નહીં, પરંતુ કિવ ઓબ્લાસ્ટ વિસ્તારમાં પણ ધડાકાના અવાજો સંભળાયા હતા, જેના કારણે સામાન્ય જનતામાં ભયનો માહોલ સર્જાયો છે.
હુમલાની અસર રાજધાનીની આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી હતી. કિવથી લગભગ 20 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વમાં સ્થિત બ્રાવરી શહેરમાં હુમલાના કારણે વીજ લાઇનમાં ખામી સર્જાઈ હતી, જેના પરિણામે મોટા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. કિવના મેયરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા હુમલાની પુષ્ટિ કરી હતી અને નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજધાનીમાં વિસ્ફોટ થઈ રહ્યા છે અને એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય રીતે કામ કરી રહી છે, તેથી તમામ લોકોએ શેલ્ટરમાં જ રહેવું જોઈએ.
યુક્રેનની વાયુસેનાએ પણ આપતકાળની ચેતવણી જાહેર કરી હતી. વાયુસેનાના જણાવ્યા અનુસાર, કિવ અને તેની આસપાસના વિસ્તારોમાં ડ્રોન હુમલાનો ગંભીર ખતરો છે અને શહેર પર અનેક ડ્રોન મંડરાઈ રહ્યા છે. કિવ ક્ષેત્રના વેલિકા ડિમેરકા અને પેરેયાસ્લાવ ગામના પશ્ચિમી વિસ્તારોમાં ડ્રોનની ગતિવિધિઓ નોંધાઈ હતી, જે દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યા હોવાનું જણાવાયું છે. આ તમામ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે રશિયા કોઈપણ રીતે દબાણ ઘટાડવાના મૂડમાં નથી.
મહત્ત્વની વાત એ છે કે આવતીકાલે ફ્લોરિડામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. ટ્રમ્પ આ બેઠકમાં યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં મધ્યસ્થની ભૂમિકા ભજવવા ઇચ્છુક હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું છે કે તાત્કાલિક કોઈ કરારની આશા રાખવી યોગ્ય નથી, પરંતુ આ ચર્ચા સમાધાન અને શાંતિ તરફ આગળ વધવાનો એક પ્રયાસ હશે. આવા સંવેદનશીલ સમયે કિવ પર થયેલા હુમલાએ શાંતિ પ્રયાસો સામે રશિયાનો કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે.