/connect-gujarat/media/media_files/2025/11/10/iran-2025-11-10-16-31-20.jpg)
ઈરાન હાલ તેના ઇતિહાસના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે.
છ દાયકામાં પહેલીવાર પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે રાજધાની તેહરાનમાં પીવાનું પાણી ખતમ થવાની કગાર પર છે. રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ચેતવણી આપી છે કે જો નવેમ્બર અંત સુધીમાં વરસાદ નહીં પડે તો સરકારે પાણીની સપ્લાય મર્યાદિત કરવાની ફરજ પડશે. હાલત ન સુધરે તો તેહરાનને ખાલી કરાવવાની નોબત આવી શકે છે.
તેહરાનની મુખ્ય જળ પુરવઠા યોજનાઓ જેવી કે લાતિયાન અને કરજ ડેમમાં માત્ર 10%થી પણ ઓછું પાણી બાકી છે. સ્થાનિક અધિકારીઓ અનુસાર, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદમાં લગભગ 92% ઘટાડો નોંધાયો છે. મોટાભાગનું બાકી રહેલું પાણી "મૃત જળ" છે, એટલે કે ઉપયોગ માટે અયોગ્ય. ઘણા વિસ્તારોમાં નળમાં કલાકો સુધી પાણી આવતું નથી અને નાગરિકો પાણી ભરવા માટે વધારાના ઉપાયો કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ પેજેશ્કિયને દેશને ચેતવણી આપી છે કે જો વરસાદ ન થાય તો સરકાર પાણીના રેશનીંગ અને દંડની નીતિ અમલમાં લાવશે. ઊર્જા મંત્રી અબ્બાસ અલી અબાદીએ પણ કહ્યું છે કે રાત્રિના સમયગાળા દરમિયાન પાણીનો પ્રવાહ શૂન્ય સુધી ઘટાડવો પડી શકે છે. ઈઝરાયલ સંઘર્ષના કારણે રાજધાનીના જૂના પાણી માળખાને પણ અસર થવાથી સંકટ વધુ વકર્યું છે.
આ વચ્ચે ઈરાનના ધારાસભ્ય મોહસિન અરાકીએ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે મહિલાઓ હિજાબ નથી પહેરતી, એટલે અલ્લાહે વરસાદ રોકીને દેશને ચેતવણી આપી છે. તેમના આ નિવેદનને લઇને દેશભરમાં ટીકા થઈ રહી છે.
હવામાન વિભાગે આગામી 10 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી એવી આગાહી કરી છે. સરકારે નાગરિકોને પાણીની બચત માટે અપીલ કરી છે, જ્યારે કેટલાક પ્રાંતોમાં પાણીની સપ્લાય પર મર્યાદા લાગુ કરવાની શરૂઆત થઈ ગઈ છે. ઈરાનના અન્ય પ્રાંતો પશ્ચિમ અઝરબૈજાન, પૂર્વ અઝરબૈજાન અને મરકઝી પણ સમાન દુષ્કાળની ચપેટમાં છે, જ્યાં ડેમોમાં પાણીનું સ્તર એક અંકની ટકાવારીમાં જ છે.
સત્તાવાળાઓ હવે પાનખરના અંતમાં વરસાદની આશા રાખી રહ્યા છે, પરંતુ હવામાનની હાલની સ્થિતિને જોતા તેહરાન માટે આ સમય જીવલેણ સાબિત થઈ શકે છે.