/connect-gujarat/media/media_files/2025/11/30/fire-2025-11-30-16-33-06.jpg)
અમેરિકામાં ફરી એક વખત અંધાધૂંધ ગોળીબારની દુઃખદ ઘટના સામે આવી છે.
કેલિફોર્નિયાના સ્ટોકટન વિસ્તારમાં શનિવારે એક બર્થડે પાર્ટી દરમિયાન થયેલા હુમલામાં ચાર લોકોના કરૂણ મોત થયા છે, જેમાં બે નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં દસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોળીબાર એટલો અચાનક અને ભયાનક હતો કે પાર્ટીમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ઘણા લોકો બચવા માટે અહીંથી ત્યાં દોડી રહ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ ગોળીબાર કોઈ સામાન્ય હુમલો ન હતો, પરંતુ ખાસ કરીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાનો શંકાસ્પદ તારણ મળી રહ્યું છે. સેન જાઓકિન કાઉન્ટીના શેરીફે સત્તાવાર રીતે માહિતી આપતા જણાવ્યું કે મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને ઘટનાસ્થળ પરથી મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સ્ટોકટનના ડેપ્યુટી મેયર જેસન લીએ આ ઘટનાને "સમુદાય માટે અત્યંત દુઃખદ અને ચિંતાજનક" ગણાવી છે. તેમણે જણાવ્યું કે પ્રશાસન સતત સુરક્ષા એજન્સીઓ સાથે સંપર્કમાં છે અને દોષિતોને ઝડપવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે.
આ ઘટના બાદ પોલીસએ આસપાસના રસ્તાઓ તેમજ પાર્ટી વેન્યુને સીલ કરી દીધા છે. ફોરેન્સિક ટીમો દ્વારા ગોળીબારની દિશા, ઉપયોગ થયેલા હથિયારો અને શક્ય સંદિગ્ધોની ઓળખ અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે લોકોથી અપીલ કરી છે કે જો કોઈ પાસે ઘટનાસ્થળનો વીડિયો, ફોટો અથવા કોઈ માહિતી હોય તો તે તરત જ પોલીસને આપવી.
ધ્યાન આપવા જેવું છે કે ગયા મહિને જ મિસિસિપી રાજ્યના ડેલ્ટા વિસ્તારમા પણ બે જુદા જુદા સ્થળોએ ગોળીબારની ઘટનાઓ બની હતી, જેમાં કુલ છ લોકોના મોત થયા હતા અને 12થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. લીલેન્ડ શહેરમાં હાઈસ્કૂલના ફૂટબોલ હોમકમિંગ ગેમ બાદ કરાયેલા હુમલામાં ચાર વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે બીજી ઘટના હાઈડલબર્ગ શહેરમાં શાળાના હોમકમિંગ વીકએન્ડ દરમિયાન બની હતી. અમેરિકામાં વધી રહેલી આવી ઘટનાઓએ ફરી એકવાર ગન કન્ટ્રોલ પર રાષ્ટ્રીય ચર્ચાને વેગ આપ્યો છે.