/connect-gujarat/media/media_files/2025/12/10/america-2025-12-10-15-42-11.jpg)
અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં મંગળવારે મોડી રાત્રે થયેલા ગોળીબારે સમગ્ર કેમ્પસમાં હડકંપ મચાવ્યો છે.
યુનિવર્સિટીના હોસ્ટેલ વિસ્તાર વ્હિટની એમ યંગ જુનિયર હોલની બહાર થયેલા આ હુમલામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે અને બીજો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાના થોડા સમય બાદ જ પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લઈ લીધો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ બગડતી અટકાવી શકાયી.
યુનિવર્સિટીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ઘાયલ વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર હોવા છતાં હાલ સ્થિર છે. વિદ્યાર્થીનું નામ સુરક્ષાના કારણે જાહેર કરવામાં આવ્યું નથી. યુનિવર્સિટી પ્રશાસન મૃતક અને ઘાયલ વિદ્યાર્થીના પરિવારો સાથે સતત સંપર્કમાં છે અને તેમને મનોચિકિત્સક સહાય સહિત તમામ પ્રકારની જરૂરી સપોર્ટ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
ગોળીબારની ઘટનાની જાણ થતા જ ફ્રેન્કફર્ટ પોલીસ વિભાગે સંપૂર્ણ કેમ્પસને તાત્કાલિક લોકડાઉન કરી દીધો હતો. ઘટનાસ્થળની તસવીરોમાં ડૉરમેટરીની બહાર અનેક પોલીસ વાહનો, સાયરન અને ક્રાઇમ સીન ટેપ જોવા મળતાં હતા, જેના કારણે પરિસ્થિતિ કેટલી ગંભીર હતી તેનો અંદાજ સરળતાથી લાગી શકે છે. કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે આ ઘટનાની કડક નિંદા કરતા લખ્યું કે સમાજમાં આવી હિંસાને કોઈ સ્થાન નથી અને આવી ઘટનાઓને લીધે વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
ચિંતા વધારતી વાત એ છે કે છેલ્લા ચાર મહિનામાં કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસ પર ગોળીબારનો આ બીજો કેસ છે. 17 ઓગસ્ટે પણ યંગ હોલ પાસે એક વાહનમાંથી અચાનક ફાયરિંગ થયું હતું, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. તે ઘટનામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામેલ ન હતા, છતાં સમગ્ર કેમ્પસમાં ભયનું વાતાવરણ પેદા થયું હતું.
કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટી એક ઐતિહાસિક બ્લેક યુનિવર્સિટી છે, જેમાં આશરે 2,200 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. 1886માં સ્થાપિત આ સંસ્થા હંમેશાં શૈક્ષણિક વિકાસ માટે જાણીતી રહી છે, પરંતુ તાજેતરના ગોળીબારના બનાવો વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેમાં ચિંતા વધારી રહ્યા છે. વધતી ગન હિંસા વચ્ચે વિદ્યાર્થીઓની સલામતી માટે વધુ કડક પગલાં લેવાની જરૂર ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.