/connect-gujarat/media/media_files/2025/12/05/simone-2025-12-05-17-12-04.jpg)
રતન ટાટાની સાવકા માતા અને નોએલ ટાટાની માતા સિમોન ડુનોયર ટાટાનું 95 વર્ષની વયે મુંબઈની બ્રેચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું.
સ્વિટ્ઝર્લેન્ડના સુંદર શહેર જીનીવામાં જન્મેલી સિમોન ટાટા માત્ર ભારત ફરવા 1953માં આવી હતી, પરંતુ પછી જીવનભર માટે આ દેશની થઈ ગઈ. 1955માં તેમની નવલ એચ. ટાટા સાથે લગ્ન થયા અને ત્યારબાદ તેમણે ટાટા પરિવારને એકતા અને મજબૂત મૂલ્યો સાથે જોડીને રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી. નવલ ટાટાના પ્રથમ લગ્નથી જન્મેલા રતન ટાટાને પણ તેમણે માતૃત્વનો પૂરતો સ્નેહ આપ્યો, જ્યારે નોએલ ટાટા તેમના પોતાનાં પુત્ર છે, જે આજે ટાટા ટ્રસ્ટ્સ અને હિન્દુસ્તાન યુનિલિવરમાં મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે.
સિમોન ટાટાનો કારોબારી સફર 1960ના દાયકામાં શરૂ થયો, જ્યારે તેઓ ટાટા ઓઈલ મિલ્સ કંપનીની પેટાકંપની લેકમેના બોર્ડમાં જોડાયા. તે સમયે લેકમે એક નાની કન્ઝ્યુમર કંપની હતી, પરંતુ સિમોનની નજર ખૂબ આગળ જોતી હતી. ભારતીય મહિલાઓને અનુરૂપ કોસ્મેટિક્સનું વિશાળ સંભવિત બજાર તેમણે બહુ પહેલા ઓળખી લીધું હતું. તેમના નેતૃત્વ હેઠળ લેકમે માત્ર સોપ્સ અથવા સામાન્ય ઉત્પાદનો પૂરતું નહોતું રહેલું, પરંતુ ભારતીય સૌંદર્ય બજાર માટે ખાસ તૈયાર થયેલું એક મજબૂત કોસ્મેટિક્સ બ્રાન્ડ બની ગયું.
1982માં સિમોન ટાટા લેક્મેની ચેરપર્સન બની અને લિબરલાઇઝેશનના સમયમાં 1996માં લેકમે–HUL વચ્ચે 50:50નું જોઈન્ટ વેન્ચર રચાયું. બે વર્ષ બાદ, 1998માં HULએ લેક્મેનો હિસ્સો ખરીદ્યો અને આ સાથે જ સિમોન ટાટાની બિઝનેસ સફરે નવો વળાંક લીધો. તેમણે કોસ્મેટિક્સથી આગળ વધીને રિટેલ ક્ષેત્રમાં પગલું ભર્યું. UKની લિટલવુડ્સ ઇન્ટરનેશનલ (ઇન્ડિયા)ની ખરીદી પછી લેકમે લિમિટેડનું નામ બદલાઈને ટ્રેન્ટ લિમિટેડ થયું, જેણે વેસ્ટસાઇડ, જુડિયો જેવા દેશના જાણીતા રિટેલ ફોર્મેટ્સની શરૂઆત કરી. આજના દિવસે ટ્રેન્ટ ટાટા ગ્રુપનું સૌથી અગત્યનું રિટેલિંગ પાવરહાઉસ છે અને આ સમગ્ર દ્રષ્ટિનું શ્રેય સિમોન ટાટાને જાય છે.
સિમોન ટાટાને ભારતમાં ‘કોસ્મેટિક ઝરીના’ તરીકે ઓળખવામાં આવે છે—કારણ કે તેમણે માત્ર એક બ્રાન્ડ નથી બનાવ્યો, પરંતુ ભારતીય મહિલાઓની જીવનશૈલી અને સૌંદર્ય ઉદ્યોગને નવી ઓળખ આપી. તેમની દુરંદેશી, કાર્યકુશળતા અને ટાટા ગ્રુપમાં આપેલા યોગદાનને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.