રણપ્રદેશમાં બરફની ચાદર: સાઉદી અરબમાં અસામાન્ય ઠંડીથી દુનિયા ચોંકી

ધગધગતી ગરમી, વિશાળ રણપ્રદેશ અને કડક તાપમાન માટે ઓળખાતું સાઉદી અરબ આ વર્ષે એક અસામાન્ય અને ચોંકાવનારી ઠંડીની મોસમનો સામનો કરી રહ્યું છે......

New Update
saudi arebia

ધગધગતી ગરમી, વિશાળ રણપ્રદેશ અને કડક તાપમાન માટે ઓળખાતું સાઉદી અરબ આ વર્ષે એક અસામાન્ય અને ચોંકાવનારી ઠંડીની મોસમનો સામનો કરી રહ્યું છે.

દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, બરફવર્ષા અને તાપમાનમાં અચાનક આવેલા ઘટાડાએ સામાન્ય જનજીવનને અસર કરી છે. એક તરફ રહેવાસીઓ માટે આ દ્રશ્યો અદભૂત અને ઉત્સાહજનક બન્યા છે, તો બીજી તરફ આવી અસાધારણ હવામાનિક ઘટનાઓને લઈને ચિંતા પણ વધી છે. હવામાન નિષ્ણાતો માને છે કે આ બદલાવ જળવાયુ પરિવર્તનની સ્પષ્ટ નિશાની છે, જેના પ્રભાવ માટે વિશ્વના ઘણા દેશો હજી પૂરતા તૈયાર નથી.

ઉત્તરી સાઉદી અરબના તાબુક પ્રાંતમાં પહાડી વિસ્તારો પર થયેલી બરફવર્ષાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. જેબેલ અલ-લાવ્ઝના ઊંચા શિખરો સંપૂર્ણપણે સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે, જ્યારે લગભગ ૨,૬૦૦ મીટરની ઊંચાઈ પર આવેલું ટ્રોજન પણ બરફ અને હળવા વરસાદથી છવાઈ ગયું છે. હૈલ ક્ષેત્રમાં, ખાસ કરીને હૈલ શહેરની આસપાસના વિસ્તારોમાં, દુર્લભ બરફવર્ષા નોંધાઈ છે. કેટલાક વિસ્તારોમાં સવારના સમયે તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે ઉતરી ગયું, જેના કારણે ઊંચા પ્રદેશોમાં બરફ જામી ગયો.

રાષ્ટ્રીય મોસમ કેન્દ્ર (NCM)ના જણાવ્યા અનુસાર, રિયાધના ઉત્તરમાં આવેલા અલ-મજમાહ અને અલ-ઘાટ વિસ્તારોમાં પણ ભારે બરફવર્ષા થઈ છે. ખુલ્લા મેદાનો અને ઊંચા વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા હતા. હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે મધ્ય અને ઉત્તરી સાઉદી અરબમાં ઠંડી હવાની એક શક્તિશાળી લહેર પ્રવેશી છે, જે વરસાદી વાદળો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી રહી છે. પરિણામે આગામી કેટલાક દિવસો સુધી તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે.

આ ઉપરાંત, દેશના અનેક વિસ્તારોમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. બિર બિન હરમાસ, અલ-અયિનાહ, અમ્માર, અલઉલા અને શકરામાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે, જ્યારે રિયાધ, કાસિમ અને પૂર્વી ક્ષેત્રોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં ખીણોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. પૂરગ્રસ્ત ખીણોમાં વાહન ચલાવતી વખતે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

અસામાન્ય હવામાનને કારણે રાજધાની રિયાધમાં સ્કૂલોને તાત્કાલિક ઓનલાઈન મોડમાં પરિવર્તિત કરવાની ફરજ પડી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર બરફથી ઢંકાયેલા પહાડો અને મેદાનોની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અલ-મજમાહ અને અલ-ઘાટ જેવા વિસ્તારોમાં બરફ જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે, જે સ્થાનિક પ્રશાસન માટે નવી પડકારરૂપ સ્થિતિ ઊભી કરી રહી છે.

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘટના માત્ર ક્ષણિક વાતાવરણિક સ્થિતિનું પરિણામ નથી, પરંતુ આવી ઘટનાઓનું વધતું પ્રમાણ જળવાયુ પરિવર્તન તરફ સ્પષ્ટ ઈશારો કરે છે. એક તરફ સંયુક્ત અરબ અમીરાતમાં અસામાન્ય ઠંડી અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણ એશિયાના દેશોમાં રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે. મધ્યપૂર્વના સુકા વિસ્તારોમાં પૂર, યુરોપ અને ઉત્તરી આફ્રિકામાં બરફવર્ષા—આ બધું જ વૈશ્વિક હવામાનની અનિશ્ચિતતા અને અસ્થિરતાનો સંકેત આપે છે.

સાઉદી અરબમાં થયેલી આ બરફવર્ષાએ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ હવામાન પરિવર્તન અંગેની ચર્ચાને ફરી તેજ કરી છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો જળવાયુ પરિવર્તન સામે સમયસર અને અસરકારક પગલાં નહીં લેવામાં આવે, તો આવી અસાધારણ મોસમી ઘટનાઓ આવનારા સમયમાં વધુ વાર અને વધુ તીવ્ર સ્વરૂપે સામે આવી શકે છે.

Latest Stories