સોશ્યલ મીડિયા બાળકોની એકાગ્રતા ખાય છે: અભ્યાસમાં ચિંતા જગાવતી હકીકત

નિષ્ણાતો માને છે કે ટેક્નોલોજી સંપૂર્ણપણે ટાળવી શક્ય નથી, પરંતુ તેનો સંયમિત અને સમજદારીભર્યો ઉપયોગ જ બાળકોના સ્વસ્થ માનસિક વિકાસ માટે સૌથી મોટું રક્ષણ બની શકે છે.

New Update
sm

અભ્યાસ માટે સંશોધકોએ યુએસમાં નવથી દસ વર્ષના 8300 બાળકોના વર્તનની ચાર વર્ષ સુધી ચકાસણી કરી

ગૂગલ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક, ફેસબુક, ટ્વિટર કે મેસેન્જર જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ સમય વિતાવતા બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થતો જાય છે, એવો ચોંકાવનારો ખુલાસો સંશોધકોએ કર્યો છે. ‘જર્નલ પેડિયાટ્રિકસ ઓપન સાયન્સ’માં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, તાજેતરના વર્ષોમાં બાળકોમાં એટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)ના વધતા જતા કેસ પાછળ સોશ્યલ મીડિયાનો વધતો ઉપયોગ પણ એક મહત્વપૂર્ણ કારણ બની શકે છે. અભ્યાસે બાળકોના માનસિક વિકાસ પર ડિજિટલ જીવનશૈલીની લાંબા ગાળાની અસર અંગે ગંભીર ચર્ચા શરૂ કરી છે.

સ્વીડનની કારોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટમાં કોગ્નિટિવ ન્યુરોસાયન્સના પ્રોફેસર ટોર્કેલ ક્લિન્ગબર્ગે જણાવ્યું હતું કે, તેમના અભ્યાસથી સ્પષ્ટ થાય છે કે બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને સોશ્યલ મીડિયાનો સીધો પ્રભાવ પડે છે. તેમણે સમજાવ્યું કે, સોશ્યલ મીડિયા પર સતત આવતા સંદેશા, એલર્ટ અને નોટિફિકેશન બાળકોના મગજમાં વારંવાર ધ્યાનભંગ સર્જે છે. “કોઈ મેસેજ આવ્યો હશે” એવો વિચાર પણ માનસિક રીતે ધ્યાન તોડી નાંખે છે, જે લાંબા ગાળે ફોકસ કરવાની ક્ષમતાને નબળી બનાવે છે. આ કારણે સોશ્યલ મીડિયા અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વચ્ચેનો સંબંધ વધુ સ્પષ્ટ બની રહ્યો છે.

આ અભ્યાસ માટે સંશોધકોએ અમેરિકામાં નવથી દસ વર્ષની વયના લગભગ 8,300 બાળકોને ચાર વર્ષ સુધી સતત નિરીક્ષણમાં લીધા હતા. સંશોધન દરમિયાન જોવા મળ્યું કે નવ વર્ષની વયે બાળકોનો રોજનો સોશ્યલ મીડિયા વપરાશ સરેરાશ અડધો કલાક વધ્યો હતો, જ્યારે તેર વર્ષની વય સુધી પહોંચતાં આ વધારો લગભગ અઢી કલાક જેટલો થઈ ગયો હતો. સંશોધકોએ ખાસ નોંધ્યું કે બાળકો જો માત્ર સરેરાશ માત્રામાં પણ સોશ્યલ મીડિયા વાપરે, તો પણ સમય જતાં તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સતત ઘટાડો જોવા મળે છે.

આ સંશોધન અમેરિકાના પોર્ટલેન્ડમાં આવેલી ઓરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના સંશોધકોના સહયોગથી કરવામાં આવ્યું હતું. સંશોધકોનું માનવું છે કે આ અભ્યાસના તારણો માતાપિતા અને નીતિ ઘડનારાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે તે બાળકોના માનસિક વિકાસ અને ડિજિટલ ઉપકરણોના વપરાશ અંગે યોગ્ય અને સંતુલિત નિર્ણય લેવામાં મદદરૂપ થશે. મુખ્ય સંશોધક સેમસન નિવિન્સે જણાવ્યું હતું કે, આ અભ્યાસને કિશોરાવસ્થા સુધી આગળ વધારવાની યોજના છે, જેથી સમજાઈ શકે કે ઉંમર વધતાં આ અસર કેટલી વધુ ગંભીર બને છે.

આ અભ્યાસ ફરી એકવાર આ પ્રશ્ન ઊભો કરે છે કે બાળકોના ડિજિટલ જીવનને કેવી રીતે સંતુલિત રાખવું. નિષ્ણાતો માને છે કે ટેક્નોલોજી સંપૂર્ણપણે ટાળવી શક્ય નથી, પરંતુ તેનો સંયમિત અને સમજદારીભર્યો ઉપયોગ જ બાળકોના સ્વસ્થ માનસિક વિકાસ માટે સૌથી મોટું રક્ષણ બની શકે છે.

Latest Stories