/connect-gujarat/media/media_files/2025/12/13/gaza-2025-12-13-16-48-50.jpg)
યુદ્ધની ભયાનક તબાહીને સહન કર્યા બાદ ગાઝા હવે એક નવા અને ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.
મધ્ય ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવેલા ચક્રવાત બાયરનના કારણે ગાઝામાં ફરી એકવાર હજારો લોકો બેઘર બન્યા છે. ઇઝરાયલી હુમલાઓ બાદ પહેલેથી જ ટેન્ટ અને ખંડેરોમાં રહેવા મજબૂર થયેલા લોકો માટે હવે કડક ઠંડી, ભારે વરસાદ અને તોફાની પવન જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, આ વાવાઝોડા અને તેની અસરોથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જેમાં અનેક નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે. પૂર, કરા પડવા અને ઠંડા પવનના કારણે ગાઝામાં માનવીય સ્થિતિ વધુ કથળી ગઈ છે.
વાવાઝોડાના કારણે ગાઝાના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પરિણામે અસ્થાયી ટેન્ટોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા પરિવારોને રાતોરાત પોતાના ટેન્ટ છોડીને સૂકા સ્થળોની શોધમાં ભટકવું પડ્યું છે. ઠંડી અને ભેજના કારણે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. સ્થિતિને વધુ ગંભીર બનાવતી વાત એ છે કે ઇઝરાયલી પ્રતિબંધોના કારણે ગાઝામાં કમ્બલ, ગરમ કપડાં, ઇંધણ અને અન્ય જીવન જરૂરી સામગ્રીનો પુરવઠો પણ યોગ્ય રીતે પહોંચી રહ્યો નથી, જેના કારણે લોકો માટે જીવતરી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
ગાઝાની સિવિલ ડિફેન્સ એજન્સીએ જણાવ્યું છે કે ઠંડીના કારણે ઓછામાં ઓછા ત્રણ બાળકોના મોત થયા છે. અલ શિફા હોસ્પિટલ દ્વારા આ મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં 9 વર્ષના અલ મસરી અને થોડા મહિનાના અલ ખ્વાજાનું નામ સામેલ છે. નાસર હોસ્પિટલના જણાવ્યા અનુસાર, 8 મહિનાના અબ ઝહરનું પણ ઠંડીના કારણે મૃત્યુ થયું છે. આ ઉપરાંત ઉત્તર ગાઝામાં ભારે વરસાદ દરમિયાન એક દિવાલ ધરાશાયી થતાં છ લોકોના મોત થયા હતા, જે દર્શાવે છે કે યુદ્ધથી કમજોર બનેલા માળખાં હવે કુદરતી આફત સામે પણ ટકી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે ચક્રવાત બાયરન મધ્ય ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદ્ભવેલું તોફાન છે, જે ગરમ પવનો અને ભેજના સંયોજનથી વધુ તીવ્ર બન્યું છે. આ વાવાઝોડાની અસર માત્ર ગાઝા સુધી સીમિત નથી રહી, પરંતુ ઇઝરાયલ, લેબનોન અને અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી છે. જો કે, ગાઝામાં પહેલેથી જ યુદ્ધગ્રસ્ત સ્થિતિ હોવાના કારણે તેની અસર અનેક ગણું વધુ વિનાશક બની છે. માનવીય સંસ્થાઓ ચેતવણી આપી રહી છે કે જો તાત્કાલિક મદદ નહીં પહોંચે તો ગાઝામાં માનવીય સંકટ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.