ચીનના વડાપ્રધાન લી ક્યાંગ આ અઠવાડિયે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ગ્વાદર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પાકિસ્તાનના સૂચના મંત્રી અયાતુલ્લા તરારે રવિવારે આ જાણકારી આપી. ક્યાંગ 15-16 ઓક્ટોબરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે સોમવારે પાકિસ્તાન આવી રહ્યા છે.
ગ્વાદર એરપોર્ટ બલુચિસ્તાન પ્રાંતમાં બનેલ છે. તે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો એક ભાગ છે. ચીને તેને ફંડ આપ્યું છે. આ વર્ષે 14 ઓગસ્ટે તેનું ઉદ્ઘાટન થવાનું હતું. વડાપ્રધાન શહબાઝ શરીફ ચીની અધિકારીઓ સાથે તેને લોન્ચ કરવાના હતા, પરંતુ પછી બલૂચ આંદોલનને કારણે આ યોજના રદ કરવામાં આવી હતી.ચીન અને પાકિસ્તાન વચ્ચે 2015માં ગ્વાદર એરપોર્ટને લઈને ડીલ થઈ હતી. વર્ષ 2019માં આના પર કામ શરૂ થયું હતું. ચીને આ એરપોર્ટ બનાવવા માટે 246 મિલિયન ડોલર (લગભગ 2000 કરોડ ભારતીય રૂપિયા) ખર્ચ્યા છે.