/connect-gujarat/media/media_files/2025/12/11/bali-2025-12-11-13-26-42.jpg)
વિશ્વના સૌથી સ્વચ્છ હિન્દુ ગામની વાત આવે ત્યારે ઘણા લોકો ભારતનું નામ લેશે, પરંતુ ચોંકાવનારી હકીકત એ છે કે આ માન બાલી ખાતે આવેલા નાનકડા પહાડી ગામ પેંગલિપુરનને મળ્યો છે.
વૈશ્વિક ગ્લોબલ સર્વે મુજબ પેંગલિપુરન વિશ્વના ત્રણ સૌથી સ્વચ્છ ગામોમાં સ્થાન પામ્યું છે.
આ ગામ સાબિત કરે છે કે સફાઈ માત્ર સરકારની જવાબદારી નહીં, પરંતુ સદીઓથી ચાલતી આવતી એક જીવનશૈલી પણ બની શકે છે. અહીં લગભગ 700 વર્ષ જૂની પરંપરા, સંસ્કૃતિ અને સ્વચ્છતાનું અદભૂત સંકલન જોવા મળે છે.
વિશ્વભરમાં દોઢ અબજથી વધુ હિન્દુઓ છે જેમાંથી 94 ટકા ભારતમાં વસે છે, છતાં સૌથી સ્વચ્છ હિન્દુ ગામ ઈન્ડોનેશિયાના બાંગલી જિલ્લામાં હોવાનું ગૌરવ બાલી ધરાવે છે. હરિયાળા પર્વતોની વચ્ચે વસેલું આ ગામ સંપૂર્ણ શાંતિ, સંસ્કાર અને અનોખી શૈલી માટે ઓળખાય છે. ઈન્ડોનેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, છતાં અહીં દરેક ઘરમાં હિન્દુ પરંપરાને દર્શાવતા નાના મંદિર જોવા મળે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ગામમાં છેલ્લા સાતસો વર્ષમાં એકપણ અપરાધ થયો નથી, જે તેની શાંત અને અનુશાસિત જીવનશૈલીને સાબિત કરે છે.
પેંગલિપુરનનું મુખ્ય આકર્ષણ તેનું કઠોર સ્વચ્છતા નિયમોવાળું જીવન છે. ગામની સીમામાં કચરો ફેંકવો સંપૂર્ણ નિષેધ છે. દારૂ પર પ્રતિબંધ છે અને ધૂમ્રપાન ફક્ત નિર્ધારિત વિસ્તારોમાં જ કરી શકાય છે. પરંપરાગત વાંસનાં ઘરો અહીંની સુંદરતામાં વધારો કરે છે. ગામમાં વાહનો પ્રવેશદ્વાર પર જ અટકાવવામાં આવે છે, જેથી ગામનું પર્યાવરણ સ્વચ્છ અને શાંતિમય રહ્યું છે. અહીંની મહિલાઓ દર મહિને એક સાથે મળી ગામનો કચરો એકત્રિત કરે છે અને તેને જૈવિક ખાતરમાં પરિવર્તિત કરે છે.
પર્યટકો માટે પેંગલિપુરન પહોંચવું સરળ છે. દેનપસારથી માત્ર 45 કિમી અને બાંગલી શહેરથી 5 કિમી દૂર હોવાથી અહીં ખાનગી કારથી અથવા ગ્રેબ–ગોજેક જેવી રાઇડ-શેરિંગ સેવાનો ઉપયોગ કરીને સહેલાઈથી પહોંચી શકાય છે. ગામ રોજ સવારના 8:15 થી સાંજે 6:30 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહે છે. ફરવાનો ઉત્તમ સમય એપ્રિલથી ઓક્ટોબર અથવા ગલૂંગન અને કુનિંગન જેવા સ્થાનિક તહેવારોના દિવસોમાં માનવામાં આવે છે. અહીંના હોમસ્ટે પર્યટકોને બાલીની સંસ્કૃતિ, ભોજન અને દૈનિક જીવનને નજીકથી અનુભવવાની તક આપે છે.