ટ્રમ્પ પ્રશાસનનો મોટો નિર્ણય: ૨૦ નવા દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતિનો હવાલો આપીને પ્રવાસ પ્રતિબંધોની યાદીમાં મોટા પાયે વધારો કર્યો છે.

New Update
trump

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતિનો હવાલો આપીને પ્રવાસ પ્રતિબંધોની યાદીમાં મોટા પાયે વધારો કર્યો છે.

નવા ઘોષણાપત્ર હેઠળ વિશ્વના વીસ નવા દેશો ઉપરાંત પેલેસ્ટાઈન ઓથોરિટી દ્વારા જારી કરાયેલા દસ્તાવેજ ધરાવતા લોકોને અમેરિકામાં પ્રવેશ પર કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે જે દેશોમાં ઓળખ, સુરક્ષા તપાસ અને ગુપ્તચર માહિતીના આદાન-પ્રદાનની વ્યવસ્થા અપર્યાપ્ત છે, તેવા દેશોના નાગરિકો અમેરિકાની આંતરિક સુરક્ષા માટે જોખમ બની શકે છે. આવા દેશોમાં સક્રિય આતંકવાદી સંગઠનો અને સરકારોની અસહયોગી નીતિના કારણે ઈમિગ્રેશન કાયદાનો અમલ કરવો મુશ્કેલ બનતો હોવાનું પણ ઘોષણાપત્રમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

આ નિર્ણય અનુસાર અંગોલા, એન્ટીગા એન્ડ બારબુડા, બેનિન, કોટ ડી’આઈવોર, ડોમિનિકા, ગેબોન, માલાવી, મૌરિટાનિયા, નાઈજિરીયા, સેનેગલ, ટાન્ઝાનિયા, ટોંગા, ઝામ્બિયા અને ઝિમ્બાબવે સહિત કુલ પંદર દેશો પર આંશિક પ્રવાસ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ દેશોના નાગરિકો માટે ચોક્કસ વિઝા શ્રેણીઓ પર નિયંત્રણો રહેશે, જ્યારે સંપૂર્ણ પ્રતિબંધ નહીં હોય. બીજી તરફ, બુર્કિના ફાસો, માલી, નાઈજર, દક્ષિણ સુદાન અને સીરિયા જેવા પાંચ દેશો પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યાંથી આવનાર કોઈપણ સામાન્ય નાગરિકને અમેરિકા પ્રવેશની મંજૂરી આપવામાં નહીં આવે.

વિશેષ રીતે પેલેસ્ટાઈન ઓથોરિટી દ્વારા જારી કરાયેલા પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસનનો દાવો છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સક્રિય અમેરિકી સૂચિબદ્ધ આતંકવાદી સંગઠનોએ અગાઉ અમેરિકી નાગરિકોને નિશાન બનાવ્યા છે. હાલ ચાલી રહેલા સંઘર્ષ અને અસ્થિર પરિસ્થિતિને કારણે ત્યાં યોગ્ય સ્ક્રીનિંગ અને ચકાસણી શક્ય નથી. ઉપરાંત, પેલેસ્ટાઈન ઓથોરિટીનું આ વિસ્તારો પર નિયંત્રણ નબળું હોવાથી તેમના દસ્તાવેજો વિશ્વસનીય ગણાવી શકાય નહીં, એવું પણ સ્પષ્ટ કરાયું છે.

લાઓસ અને સિએરા લિયોન પર અગાઉ લાગેલા આંશિક પ્રતિબંધોને હવે પૂર્ણ પ્રતિબંધમાં ફેરવવામાં આવ્યા છે, જ્યારે બુરુન્ડી, ક્યુબા, ટોગો અને વેનેઝુએલા જેવા દેશો માટે આંશિક પ્રતિબંધો યથાવત્ રાખવામાં આવ્યા છે. આ સાથે અફઘાનિસ્તાન, મ્યાન્માર, ચાડ, કોંગો, સુદાન અને યમન સહિત અગાઉથી જ ‘ઉચ્ચ જોખમવાળા’ ગણાયેલા બાર દેશો પર લાગેલા સંપૂર્ણ પ્રતિબંધો પણ ચાલુ રહેશે. પ્રશાસનનું કહેવું છે કે આ દેશોમાં આતંકવાદ, ઉગ્રવાદ અને સંગઠિત અપરાધને કારણે રાજ્ય નિયંત્રણનો ગંભીર અભાવ છે.

જોકે, આ પ્રતિબંધોમાં કેટલીક છૂટછાટો પણ રાખવામાં આવી છે. અમેરિકાના કાયદેસરના સ્થાયી નિવાસી એટલે કે ગ્રીન કાર્ડ ધારકો, પહેલાથી માન્ય વિઝા ધરાવતા લોકો, રાજદ્વારી સ્ટાફ, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને અમેરિકાના રાષ્ટ્રીય હિત સાથે સીધા સંકળાયેલા વ્યક્તિઓને આ નિયમોથી મુક્તિ આપવામાં આવશે. ટ્રમ્પ પ્રશાસન મુજબ અનેક દેશો પોતાના નાગરિકોની પૂરતી માહિતી આપવા અથવા ગેરકાયદે રહેતા નાગરિકોને પરત લેવા ઇનકાર કરે છે, જેના કારણે અમેરિકી ઈમિગ્રેશન કાયદાની અમલવારી મુશ્કેલ બને છે અને સુરક્ષા જોખમો વધે છે.

Latest Stories