/connect-gujarat/media/media_files/2025/11/05/kalmagi-2025-11-05-16-18-50.jpeg)
ફિલીપાઇન્સમાં ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાં ‘કલમાગી’એ ચારે તરફ વિનાશ ફેલાવ્યો છે.
છેલ્લા બે દિવસથી દેશમાં ભારે વરસાદ, જોરદાર પવન અને પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અત્યાર સુધીમાં 52 લોકોનાં મોત નીપજ્યા છે, જ્યારે 13 લોકો હજી સુધી લાપતા હોવાનું જાણવામાં આવ્યું છે.
સૌથી વધુ અસર સેબૂ પ્રાંતમાં જોવા મળી છે, જે તાજેતરમાં જ એક ભીષણ ભૂકંપમાંથી પુનઃસ્થાપનના પ્રયત્નોમાં હતું. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘરો તૂટી પડ્યાં છે, રસ્તાઓ પાણીમાં ગરક થયા છે અને હજારો લોકો પોતાના ઘરની છત પર ફસાઈ ગયા છે. રેડક્રોસને હજારો ફોન કોલ્સ મળ્યાં છે, જેમાં લોકો સહાય માટે ચીસો પાડી રહ્યા છે.
સરકારી તંત્ર અને બચાવ દળોએ સતત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. હજી પણ અનેક વિસ્તારોમાં રેસ્ક્યુ ટીમો પહોંચી શકી નથી, કારણ કે તોફાનના કારણે માર્ગવ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. ફિલીપાઇન્સના હવામાન વિભાગે હજી પણ ભારે વરસાદ અને પૂરનો એલર્ટ જારી કર્યો છે.
આ દરમિયાન એક દુઃખદ ઘટના પણ બની છે — વાવાઝોડાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત માટે પહોંચેલા ફિલીપાઇન્સ એરફોર્સના હેલિકોપ્ટર ‘સુપર હ્યુઇ’નું અગુસાન ડેલ સુર પ્રાંતમાં ક્રેશ થવાથી છ જવાનનાં મોત થયા છે. આ હેલિકોપ્ટર લોરેટો શહેરની નજીક માનવીય સહાય પહોંચાડવા જતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
સૈન્યના જણાવ્યા મુજબ, હેલિકોપ્ટર પર સવાર બાકી કર્મચારીઓની શોધખોળ ચાલુ છે. હાલ સરકાર દ્વારા તાત્કાલિક રાહત ફંડ જાહેર કરાયો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, પાણી અને તાત્કાલિક દવાઓ પહોંચાડવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.