/connect-gujarat/media/media_files/2025/11/02/war-2025-11-02-16-41-17.jpg)
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધને નવા તબક્કે લઈ જતી ઘટના રવિવારની રાત્રે બની, જ્યારે યુક્રેને રશિયાના બ્લેક સી કિનારે આવેલા તુઆપ્સે પોર્ટ પર ભીષણ ડ્રોન હુમલો કર્યો.
આ હુમલાથી પોર્ટ પર આવેલી ઓઈલ રિફાઈનરીઓ અને ટર્મિનલમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ભારે નુકસાન નોંધાયું છે. આગ એટલી ભીષણ હતી કે રાત્રિભર ધુમાડાના ગોળા આકાશમાં ઉઠતા જોવા મળ્યા હતા. રશિયન એર ડિફેન્સ સિસ્ટમે દાવો કર્યો કે તેમણે કુલ 164 યુક્રેનિયન ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા, પરંતુ કેટલાક ડ્રોનના અવશેષો જમીન પર પડતાં માળખાગત સુવિધાઓને મોટું નુકસાન થયું.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, તુઆપ્સે પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેલા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ડ્રોનના અવશેષો નજીકના સોસ્રોવી ગામમાં પડતાં એક એપાર્ટમેન્ટને પણ ગંભીર નુકસાન થયું. સદભાગ્યે જાનહાનિ અંગે કોઈ અહેવાલ મળ્યો નથી. જોકે, પોર્ટ વિસ્તારના ઘણા ભાગોમાં વીજળી અને સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. તુઆપ્સે ઓઈલ ટર્મિનલ અને રોસનેફ્ટ નિયંત્રિત રિફાઈનરી રશિયન સેનાને ઇંધણ પુરું પાડતી સૌથી મહત્વપૂર્ણ જગ્યા માનવામાં આવે છે, જેના કારણે યુક્રેન વારંવાર આ વિસ્તારને ટાર્ગેટ કરતું રહ્યું છે.
યુક્રેનના રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલાનો હેતુ રશિયાના લોજિસ્ટિક નેટવર્કને નબળું પાડવાનો અને ઓઈલ પુરવઠાને ખલેલ પહોંચાડવાનો હતો. યુક્રેન તરફથી છેલ્લા કેટલાક અઠવાડિયામાં રશિયાની ક્રૂડ રિફાઈનરી, પાઈપલાઈન અને ડેપો પર હુમલાઓમાં વધારો થયો છે. આ પગલાં રશિયાના ઇલેક્ટ્રિસિટી ગ્રીડ પર થયેલા હુમલાનો બદલો તરીકે જોવામાં આવી રહ્યા છે.
ક્રાસ્નોડાર પ્રાંતના વહીવટી તંત્રે ટેલિગ્રામ પર માહિતી આપી કે તુઆપ્સેમાં થયેલા આ હુમલાનો જવાબ આપવા માટે રશિયન દળો સક્રિય રીતે કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ડ્રોન હવામાં જ નષ્ટ કરાયા હતા, પણ તેમનો કાટમાળ પડતાં પોર્ટના માળખાકીય વિસ્તારોમાં આગ લાગી. હાલ નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન થઈ રહ્યું છે.
આ હુમલાએ ફરી એકવાર યુક્રેન-રશિયા યુદ્ધની તીવ્રતા વધારી દીધી છે. યુક્રેન સતત રશિયાના તેલ પુરવઠાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી રશિયાની યુદ્ધક્ષમતા નબળી પડે. બીજી તરફ રશિયા આ હુમલાનો બદલો લેવા માટે નવી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં હોવાનું જણાવાયું છે. નિષ્ણાતોના મતે, આ હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ ઊંડો બનશે અને બ્લેક સી વિસ્તાર ફરીથી યુદ્ધના કેન્દ્રમાં આવશે.