/connect-gujarat/media/media_files/2025/12/14/temple-2025-12-14-16-43-20.jpg)
દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નતાલ પ્રાંતમાં એક દુઃખદ અકસ્માત સામે આવ્યો છે, જ્યાં નિર્માણાધીન ચાર માળનું મંદિર અચાનક ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે.
મૃતકોમાં એક 52 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મંદિર ભગવાન નરસિંહદેવને સમર્પિત હતું અને તેને ભારતીય મૂળના એક પરિવારે બનાવી રહ્યું હતું. આશરે બે વર્ષ પહેલાં શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ભગવાન નરસિંહદેવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની યોજના હતી, પરંતુ નિર્માણ દરમિયાન જ આ દુર્ઘટના બની ગઈ.
ઇથેક્વિની નગરપાલિકા (અગાઉનું ડરબન)એ આ મામલે ગંભીર ખુલાસો કર્યો છે. નગરપાલિકાના જણાવ્યા મુજબ, મંદિરના નિર્માણ માટે કોઈ સત્તાવાર બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાયો નહોતો. આ મંદિર ઇથેક્વિનીની ઉત્તરે આવેલા રેડક્લિફ વિસ્તારમાં એક ઢાળવાળી ટેકરી પર સ્થિત ન્યૂ અહોબિલમ ટેમ્પલ ઑફ પ્રોટેક્શનના વિસ્તરણના ભાગરૂપે બનાવવામાં આવી રહ્યું હતું. શુક્રવારે અચાનક ઈમારતનો એક ભાગ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટના બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કાટમાળની નીચે કેટલાક કામદારો ફસાયેલા હોઈ શકે છે. શુક્રવારે એક મજૂર અને એક શ્રદ્ધાળુના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી, જ્યારે બચાવ અને શોધખોળ અભિયાન દરમિયાન વધુ મૃતદેહો મળ્યા બાદ શનિવારે મૃત્યુઆંક વધીને ચાર થયો. બચાવ ટીમોએ ભારે કાટમાળ વચ્ચે કલાકો સુધી કામગીરી કરી હતી, જો કે હજી સુધી અન્ય કોઈ ફસાયેલા લોકો અંગે ચોક્કસ માહિતી સામે આવી નથી.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ચાર મૃતકોમાંથી એકની ઓળખ વિક્કી જયરાજ પાંડે તરીકે કરવામાં આવી છે. તેઓ મંદિર ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ સભ્ય હતા તેમજ સમગ્ર બાંધકામ પ્રોજેક્ટના મેનેજર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર, જયરાજ પાંડે છેલ્લા લગભગ બે વર્ષથી મંદિરની સ્થાપના અને તેના વિકાસકાર્ય સાથે સક્રિય રીતે જોડાયેલા હતા.
મંદિર સાથે સંકળાયેલી ચેરિટી સંસ્થા “ફૂડ ફોર લવ”ના ડિરેક્ટર સનવીર મહારાજે પણ પુષ્ટિ કરી છે કે મંદિર ધસી પડવાની ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં જયરાજ પાંડેનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સ્થાનિક ભારતીય સમુદાયમાં શોકનો માહોલ છે અને દક્ષિણ આફ્રિકામાં ધાર્મિક સ્થળોના નિર્માણ દરમિયાન સલામતી અને કાયદાકીય મંજૂરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.