/connect-gujarat/media/media_files/2025/12/19/bangladesh-2025-12-19-15-44-05.jpg)
બાંગ્લાદેશમાં જુલાઈ વિદ્રોહના નેતા અને ઇંકલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ દેશભરમાં પરિસ્થિતિ વણસી ગઈ છે અને અનેક વિસ્તારોમાં હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુરુવારે રાત્રે સિંગાપોરમાં સારવાર દરમિયાન હાદીનું મોત થયું હતું. 12 ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના માથામાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતા. હાદીના મોતની ખબર ફેલાતાની સાથે જ બાંગ્લાદેશના અનેક શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા.
આ હિંસાના માહોલ વચ્ચે મયમનસિંહ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં એક હિન્દુ યુવકની નિર્દય હત્યા કરવામાં આવી હતી. ઇશનિંદાના આરોપ હેઠળ સ્થાનિક ટોળાએ દીપુ ચંદ્ર દાસ નામના યુવક પર હુમલો કર્યો હતો. બીબીસી બાંગ્લાના અહેવાલ મુજબ, ભાલુકા પોલીસ સ્ટેશનના ડ્યુટી ઓફિસર રિપન મિયાએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ યુવકને માર મારીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દીધી હતી. ઘટના રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે પોલીસને જાણ મળતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે મયમનસિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. હાલ સુધી આ મામલે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ પીડિતાના પરિવારજનોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ફરિયાદ નોંધાયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ હત્યાને લઈને ભારતના પશ્ચિમ બંગાળમાં પણ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે. ભાજપના પશ્ચિમ બંગાળ યુનિટે ઘટનાની કડક નિંદા કરતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ દીપુ ચંદ્ર દાસને પિટાઈ કરીને હત્યા કરવામાં આવી અને પછી સળગાવી દેવામાં આવ્યો. પાર્ટીએ દાવો કર્યો હતો કે હિન્દુ હોવાના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા છે અને આવી ઘટનાઓ બાંગ્લાદેશ તેમજ પશ્ચિમ બંગાળમાં પણ અગાઉ થઈ ચૂકી છે.
શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યા છે. ચિત્તાગોંગમાં પ્રદર્શનકારીઓએ ભારતીય સહાયક હાઈ કમિશનની બહાર ધરણા કર્યા હતા. ઢાકામાં પણ સેકડો વિદ્યાર્થીઓ અને નાગરિકો ઢાકા યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલા શાહબાગ સ્ક્વેર પર એકઠા થયા હતા. ગયા વર્ષે હિંસક આંદોલનનું નેતૃત્વ કરનાર સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસક્રિમિનેશન સાથે જોડાયેલા નેશનલ સિટિઝન પાર્ટી પણ આ વિરોધમાં સામેલ થઈ હતી.
પ્રદર્શનકારીઓએ ભારત વિરોધી નારા લગાવતા આરોપ લગાવ્યો હતો કે હાદી પર હુમલો કરનારા હુમલાખોરો ભારત ભાગી ગયા છે. તેમણે માંગ કરી હતી કે જ્યાં સુધી હુમલાખોરોને પરત લાવવામાં ન આવે ત્યાં સુધી ભારતીય હાઈ કમિશન બંધ રાખવામાં આવે. આ દરમિયાન છાત્ર શક્તિ સંગઠને ગૃહ બાબતોના સલાહકારનું પૂતળું સળગાવી તેમની ધરપકડ કરવામાં નિષ્ફળતા બદલ રાજીનામાની માંગ કરી હતી.
હિંસા આટલેથી જ ન અટકતા, પ્રદર્શનકારીઓના એક ટોળાએ રાજધાનીના કારવાન માર્કેટ વિસ્તારમાં શાહબાગ ચાર રસ્તા નજીક આવેલી બંગાળી અખબાર ‘પ્રોથોમ આલો’ અને ‘ડેઇલી સ્ટાર’ની ઓફિસ પર હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, ટોળાએ ઓફિસની અંદર ભારે તોડફોડ કરી અને બિલ્ડિંગના આગળના ભાગમાં આગ ચાંપી દીધી હતી. આ હુમલા દરમિયાન અનેક પત્રકારો અને કર્મચારીઓ બિલ્ડિંગની અંદર ફસાઈ ગયા હતા, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.