બાંગ્લાદેશમાં મુખ્ય આંદોલનકારી નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ રાજધાની ઢાકામાં હિંસા ભભૂકી

ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ સરકાર અને મીડિયા સામે પોતાનો રોષ ઠાલવ્યો. દેશના બે મોટા અખબારો ‘પ્રથમ આલો’ અને ‘ડેઇલી સ્ટાર’ની ઓફિસોમાં તોડફોડ કરી આગ ચાંપી દેવામાં આવી.

New Update
09

બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા ફરી એકવાર ખતરનાક વળાંક પર પહોંચી ગઈ છે.

શેખ હસીના સરકાર વિરુદ્ધના આંદોલનના મુખ્ય ચહેરા અને ભારત વિરોધી આકરી બયાનબાજી માટે જાણીતા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે સિંગાપુરમાં મોત થતાં જ દેશભરમાં તોફાન મચી ગયું. હાદીના મોતના સમાચાર ફેલાતાની સાથે જ રાજધાની ઢાકા સહિત અનેક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી અને સ્થિતિ ઝડપથી બેકાબૂ બની ગઈ.

ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ સરકાર અને મીડિયા સામે પોતાનો રોષ ઠાલવ્યો. દેશના બે મોટા અખબારો ‘પ્રથમ આલો’ અને ‘ડેઇલી સ્ટાર’ની ઓફિસોમાં તોડફોડ કરી આગ ચાંપી દેવામાં આવી, જ્યારે રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને પણ આગને હવાલે કરી દેવામાં આવ્યું. આ હિંસક ઘટનાઓએ બાંગ્લાદેશની કાયદો-વ્યવસ્થાને ગંભીર પડકાર આપી દીધો છે.

હાદીના મોત બાદ ઢાકાના શાહબાગ ચોક પર હજારો લોકો એકત્ર થયા અને રસ્તા પર ચક્કાજામ કરી દીધો. પ્રદર્શનકારીઓએ સરકાર પર હાદીની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો. જોતજોતામાં શાંતિપૂર્ણ પ્રદર્શન હિંસક બની ગયું. ઉપદ્રવીઓએ પહેલા કરવાન બજારમાં આવેલી ‘પ્રથમ આલો’ની ઓફિસ પર હુમલો કર્યો, ફર્નિચર અને મહત્વના દસ્તાવેજો બહાર ફેંક્યા અને આગ લગાવી દીધી. બાદમાં ‘ડેઇલી સ્ટાર’ની ઓફિસને પણ નિશાન બનાવી ભડકાવી દેવામાં આવી.

હિંસા અહીં સુધી સીમિત રહી નહોતી. ગુરુવારે મોડી રાત્રે ચટગાંવમાં ભારતીય હાઈ કમિશનના કાર્યાલય બહાર પ્રદર્શનકારીઓ એકત્ર થયા અને પથ્થરમારો કર્યો. આ દરમિયાન ‘ભારતીય આક્રમણને ધ્વસ્ત કરો’ અને ‘લીગવાળાઓને પકડીને મારો’ જેવા ઉગ્ર ભારત-વિરોધી અને અવામી લીગ-વિરોધી નારા લગાવવામાં આવ્યા, જેના કારણે ભારત-બાંગ્લાદેશ સંબંધો પર પણ અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બરના રોજ ઢાકાના બિજોયનગર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ શરીફ ઉસ્માન હાદીના માથામાં ગોળી મારી હતી. ગંભીર હાલતમાં તેમને પહેલા ઢાકામાં સારવાર આપવામાં આવી અને ત્યારબાદ 15 ડિસેમ્બરે એર એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે સિંગાપુર ખસેડવામાં આવ્યા હતા. જોકે, તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું.

હાદીના અવસાન બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધન કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી અને કાયદો હાથમાં ન લેવા જણાવ્યું. તેમણે હાદીને ‘જુલાઈ વિદ્રોહના નીડર યોદ્ધા અને શહીદ’ ગણાવ્યા અને શુક્રવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી. સાથે જ યુનુસે ખાતરી આપી કે હત્યારાઓને કોઈપણ હાલતમાં છોડવામાં નહીં આવે અને હાદીના પરિવારની જવાબદારી સરકાર લેશે.

શરીફ ઉસ્માન હાદી ‘ઇન્કલાબ મંચ’ના સંસ્થાપક હતા અને જુલાઈ 2024માં શેખ હસીના સરકારને ઉથલાવી પાડનાર વિદ્રોહમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના મોત બાદ બાંગ્લાદેશમાં ઉભી થયેલી હિંસક પરિસ્થિતિએ દેશના ભવિષ્ય અને પ્રાદેશિક સ્થિરતા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે.

Latest Stories