/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/gfhgfh-1.jpg)
ભરૂચ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જિલ્લા-તાલુકાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયેલા ચાર શિક્ષકોનું “શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યાં છે. અંકલેશ્વરના મા શારદા ભવન ખાતે રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.
સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષક એ માત્ર વર્ગખંડમાં ભણાવવાનું કાર્ય કરનાર વ્યક્તિ જ નહી સમાજનું ઘડતર, સદગુણનું સિંચન અને ભાવિ પેઢીના સર્વાગી વ્યક્તિત્વના વિકાસનો સર્જનકર્તા છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સમાજ જીવનમાં શ્રેષ્ઠ સ્થાન જો કોઈનું હોય તો તે શિક્ષકનું છે. વ્યક્તિના ઘડતરમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય હોય છેધારાસભ્ય દુષ્યંત પટેલે શિક્ષક એક રાષ્ટ્રના ઘડવૈયા છે તેમ જણાવી ઉપસ્થિત સૌ ગુરૂજનોને વંદન કરતાં ધન્યતા અનુભવી હતી.
જિલ્લા કલેકટર ડૉ. એમ.વી.મોડિયાએ જણાવ્યું હતું કે, શિક્ષક એક શ્રધ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે. સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની ભુમિકા મહત્વની હોય છે. શિક્ષણ કરતા કેળવણી-સંસ્કાર કેવા આપી શકીએ તે મહત્વનું છે અને એ તાકાત શિક્ષકમાં છે.
રેખાબેન નાથાલાલ મકવાણા(મુખ્ય શિક્ષક - પ્રાથમિક શાળા સુઠોદરા-તા.આમોદ) તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રથમ, ભાનુબેન ચીમનભાઈ વસાવા (પ્રાથમિકશાળા - માંચ તા.ભરૂચ) જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રથમ, આમીનબેન પઠાણ (બી.આર.સી કો. અંકલેશ્વર) જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે દ્રિતીય અને પટેલ ઉસ્માન મુસા (મુખ્ય શિક્ષક - ધી સાર્વજનીક હાઈસ્કુલ - કરમાડ) જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત કરાયાં હતાં. એવોર્ડ વિતરણ સમારંભમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ,જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા, પ્રાંત અધિકારી રમેશ ભગોરા, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.પી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.