/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/jnjl.jpg)
અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહયો છે. વિવિધ ગણેશ યુવક મંડળો તૈયારીઓને આખરી ઓપ આપી રહયાં છે. ગણેશ યુવક મંડળો વાજતે ગાજતે ગણેશ પ્રતિમાઓને નીજ મંડપ ખાતે લાવી રહયાં છે. ગણેશ ચર્તુથી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યુવા વર્ગમાં ભારે ઉત્સાહ વર્તાઇ રહયો છે. શહેરના માર્ગો ઉપર સવારથી શ્રીજીના વિવિધ સ્વરૂપોની સવારીઓ નીકળી હતી. ગણપતિ બાપા મોરયા.. મંગલ મુર્તિ મોરયા..ના ગગનભેદી જયઘોષ સાથે નીકળેલી સવારીઓથી સમગ્ર શહેર ગણેશમય બની ગયું હતું.
અબીલ ગુલાલની છોળો અને ડીજે ના સથવારે નીકળેલી ગણેશજીની શોભાયાત્રાઓએ નગરજનોમાં ભારે આર્કષણ જમાાવ્યું હતું. અભુતપૂર્વ ઉત્સાહ સાથે નીકળેલી સવારીઓ દરમિયાન કોઇ અપ્રિય ઘટનાઓ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગણેશ ચર્તુથીના દિવસે વિવિધ પંડાલોમાં ડેકોરેશન સાથે શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. દસ દિવસ સુધી શહેરીજનો વિવિધ વિસ્તારોમાં ફરીને દુંદાળા દેવના દર્શન કરી ધન્યતા અનુભવશે. અંકલેશ્વરના માર્કંડેશ્વર યુવક મંડળ, રામનગર યુવક મંડળ, કૃષ્ણનગર ગણેશ યુવક મંડળ, હરિનગર યુવક મંડળ, હનુમાન ફળિયા ગણેશ યુવક મંડળ સહિતના મંડળોની પ્રતિમાઓ આ વર્ષે નગરજનોમાં ભારે આર્કષણ જમાવશે.