અમલસાડ નજીક માસા ગામે તળાવમાં નાહવા પડેલા પાંચ મિત્રો પૈકી એકનું ડૂબી જતાં મોત

New Update
અમલસાડ નજીક માસા ગામે તળાવમાં નાહવા પડેલા પાંચ મિત્રો પૈકી એકનું ડૂબી જતાં મોત

અમલસાડ નજીક આવેલા માસા ગામે બગર તળાવમાં એક ૧૯ વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું.

શનિવારે અમલસાડ ઓમસાંઈ રેસિડન્સીમાં હાલ રહેતો અને મૂળ મેંધર-ભાટ બાવરી ફળિયામાં રહેતો નિખિલ કમલેશભાઈ ટંડેલ (ઉ.વ. ૧૯) વલસાડ એન્જિનિયરિંગના પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. તેની સાથે કોલેજમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓમાં મેંધર ગામના રોમીત જયેશભાઈ ટંડેલ, આયુષ યશવંત ટંડેલ, આદર્શ કનૈયાલાલ ટંડેલ તથા કરન ઉમેશભાઈ પટેલ રહે. માસા તથા અન્ય ગામોના કોલેજના મિત્રો સાથે માસા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા ગયા હતા. જ્યાં તેમની ટીમ કલમઠા ગામની ટીમ સાથે મેચ રમાઈ હતી. જેમાં નિખિલે ૯૦ રન ફટકારવા સાથે ઓલરાઉન્ડર દેખાવ કર્યો હતો અને ટીમને વિજયી બનાવી હતી.

બપોરના એકાદ વાગ્યાની આસપાસ મેચ પૂર્ણ થતા પહેલા માસા ગામના કરન પટેલને ત્યાં ઘરે જઈ ચા-નાસ્તો કર્યા હતા અને અન્ય ગામના મિત્રો ઘરે રવાના થયા હતા પરંતુ પાંચ મિત્રો નિખિલ, રોમીત, આયુષ, કરન અને આદર્શ માસા મહાકાળી મંદિર નજીક આવેલા બગર તળાવમાં બપોરે ૧થી ૨ કલાકની આસપાસ નહાવા પડ્યા હતા. એ દરમિયાન નિખિલ ટંડેલ તળાવના પાણીમાં ડૂબવા લાગતા બચાવો બચાવોની બૂમ મારી હતી. આથી તેના મિત્રોએ તેને બચાવવાનો અથાગ પ્રયત્ન કર્યો હોવાનું તેના મિત્ર કરન પટેલે જણાવ્યું હતું. તેનું વજન ઘણુ હોય અને પાણી પણ ઘણુ હોવાથી બચાવવા અસમર્થ રહ્યા હતા.

તેઓએ તાબડતોડ ત્યાં એક શખ્સને જાણ કરતા તેણે પણ નિખિલને બચાવવા ઝંપલાવ્યું હતું પરંતુ જોતજોતામાં તળાવના પાણીમાં ડુબી ગયો હતો. બાદમાં ફોન કરી તેના વતન મેંધર ભાટ તથા માસા ગામમાં જાણ કરતા આજુબાજુ ગામોના યુવાનો દોડી આવી તળાવમાં ડુબી જનાર નિખિલને એકાદ કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો હતો પરંતુ તે તળાવના પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં ૧૦૮માં તેને અમલસાડ સીએચસી પર લઈ જવામાં આવ્યો હતો. ગણદેવી મામલતદાર એસ.ડી.ચૌધરીને જાણ થતા તેઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. બાદમાં અમલસાડ આઉટપોસ્ટમાં બનાવની જાણ થતા હે.કો. દેવેન્દ્ર ટંડેલ, જયેશ પટેલ, આશિષ ચૌધરીએ કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક નિખિલને તળાવમાં શોધવા માટે માસા ગામના ૭૩ વર્ષીય કિશોરભાઈ કે. પટેલ પણ ૧ કલાક સુધી પાણીમાં શોધવામાં ભારે જહેમત ઉઠાવી હતી. આ તળાવમાં ખોદકામ બાદ નહેરના પાણી ભરાતા ગણતરીના દિવસોમાં જ એક યુવાનનું પાણીનું ડૂબી જતા મોત થતા ૩૧મીએ પૂર્ણાહુતિ કાર્યક્રમ કરવો કે ન કરવો તે માટે જિલ્લા-તાલુકાના અધિકારીઓના ફોનની ઘંટડીઓ પંથકના અગ્રગણ્ય વ્યક્તિઓ ઉપર પૂછપરછ માટે રણકતી હોવાનું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે

અત્રે ઉલ્લેખનીય છે કે ૧લી મેના રોજ નાયબ મુખ્ય દંડક આર.સી. પટેલના હસ્તે જે તળાવના ખોદકામની ખાતમુહૂર્તવિધિ કરવામા આવી હતી. ૩૧મીએ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવાનું આયોજન પણ તંત્ર દ્વારા દોડધામ થતી હતી અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સહિતનો કાફલો આવવાની વાતો જાણવા મળી રહી છે.

માતાપિતાનો એકનો એક પુત્ર

મૃતક તેના માતાપિતાનો એકનો એક પુત્ર હતો જ્યારે એક પુત્રી હતી. પુત્રીના લગ્ન થઈ ગયા છે. જ્યારે નિખિલ ભણવામાં હોંશિયાર હોય હાલ તે વલસાડ સ્થિત એન્જિનિયરિંગ કોલેજના પહેલા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. પિતા કમલેશભાઈ શીપમાં નોકરી કરતા હોય હાલ તેઓ વિદેશમાં હોવાથી તેમનો સંપર્ક કરી રહ્યા છે.

Latest Stories