વાગરાના અરગામા ગામે આવેલ સાયખા કેમિકલ ઝોનમાં સ્થિત અંશિકા પોલીસર્ફ કંપનીમાં સાફસફાઈ કરી રહેલ કામદાર ૩૦ ફુટ ઊંચાઈ પરથી પટકાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ કામદાર ને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વાગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સલાદરા ગામ નજીક વાગરા ભરૂચ માર્ગ પર આવેલ વસાહતમાં વસવાટ કરતો અને અંકલેશ્વરની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના કોન્ટ્રકટમાં કામ કરતો પ્રેમકુમાર નારસિંહ પરમાર બપોરના સુમારે અંશિકા પોલીસર્ફમા ૩૦ ફૂટની ઊંચાઈએ સાફ સફાઈ કરી રહ્યો હતો.એકાએક શારીરિક સંતુલન ગુમાવતા પ્રેમકુમાર જમીન પર પટકાતા તેને ગળાના ભાગે ઈજાઓ થઈ હતી.સાથે મોઢાના ભાગે વાગતા દાંત તૂટી ગયા હતા તેમજ જડબું પણ ફાટી ગયુ હતુ.જેથી તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતી સાંપડી છે.અંશિકા પોલીસર્ફ કંપનીમાં સેફટીના સાધનો અને નિયમોને અભરાઈએ ચઢાવીને કામદારો પાસે કામ કરાવવામાં આવતુ હોવાની વ્યાપક ચર્ચાઓએ જોર પકડયું છે.ત્યારે સેફટી વિભાગના અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી હાથ ધરશે...?
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/06/IMG-20190612-WA0005.jpg)
અંશિકા પોલીસર્ફના સંચાલકોનો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ
વાગરાના અરગામા ગામે કાર્યરત અંશિકા પોલીસર્ફ કંપનીમાં ૩૦ ફૂટની ઊંચાઈએથી પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત કામદાર વિશે માહિતી મેળવવા અંશિકા પોલીસર્ફના મુખ્ય સંચાલક ચિરાગભાઈનો ટેલિફોનિક સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓએ ગોળ ગોળ વાતોનું રટણ કરી ઘટના પર ઢાંકપિછોળો કરવાનો બાલીશ પ્રયાસ કર્યો હતો.વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે સદર અકસ્માત માટે કંપનીની કોઈ જવાબદારી બનતી નથી. કોન્ટ્રાક્ટનો માણસ હોવાથી કોન્ટ્રાકટર પાસેથી માહિતી મેળવી લેવા જણાવી પોતે જવાબદારીમાંથી છટકી ગયા હતા.અત્રે નોંધનીય છે કે કંપની એકટ મુજબ કંપની પ્રિમાઇસીસમાં બનતી કોઈ પણ ઘટના અંગે કંપની જ જવાબદાર હોય છે.