/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/Arun-Jaitley-4.jpg)
અરુણ જેટલી કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આઝાદી પછી અત્યાર સુધીમાં દેશે 25 નાણામંત્રી જોયા છે. 1947 થી અત્યાર સુધીમાં કુલ 87 સામાન્ય અને વચગાળાનાં બજેટ રજૂ થઈ ચૂક્યાં છે. જેટલી આ વખતે 88મું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે.
વર્ષ 2018-19નાં સામાન્ય બજેટમાં કેન્દ્ર સરકાર કરદાતાઓને ટેક્સ સ્લેબ અને તેના દરોમાં કેટલીક રાહત આપે તેવી સંભાવના છે. 69 ટકા ભારતીયો માને છે કે સરકારે જનતાની ખરીદ શક્તિ વધારવા માટે ટેક્સ સ્લેબમાં છૂટછાટની મર્યાદામાં વધારો કરવો જોઈએ, તેવી જ રીતે ઉદ્યોગજગત અને વેપારીઓ પણ સરકાર પાસે કરમાં વધુ રાહતની આશા રાખી રહ્યા છે.
રોકાણકારોને આશા છે કે, કૃષિ જેવા મહત્ત્વના સરકાર વધુ લાભ આપશે. જીએસટીના અમલ બાદ 2017-18નાં નાણાકીય વર્ષમાં આર્થિક વૃધ્ધિદર છેલ્લા 3 વર્ષની સૌથી નીચી સપાટી એટલે કે 6.75 ટકા નોંધાયો છે, તેથી અર્થતંત્રને વેગ આપવા સરકાર ફાળવણીઓમાં વધારો કરે તેવી સંપૂર્ણ સંભાવના છે.
માર્કેટ અને કોર્પોરેટ સેક્ટર પણ સરકાર પાસે ઘણી આશા રાખીને બેઠા છે. દેશના તમામ નાગરિકની નજર મોદી સરકારની પાંચ વર્ષની મુદતનાં આ છેલ્લા બજેટ પર ટકેલી છે. મોદી સરકારનું આ બજેટ લોભામણું હશે કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવતી આકરી જોગવાઈઓ સાથેનું હશે તે ગુરુવારે સવારે 11 કલાકે જાહેર થઈ જશે.