/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/pm-modi-air-india-one_650x400_71443002852.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન અને સ્વિડનની પાંચ દિવસીય મુલાકાત અંતર્ગત ૧૭મી એપ્રિલે લંડન પહોંચી જશે. અહીં વડાપ્રધાન મોદી કોમનવેલ્થ દેશોના વડાઓ સાથે મુલાકાત કરશે. બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાનો નિર્ણય લીધા પછી આ બેઠક થઇ રહી છે, જેથી સમગ્ર વિશ્વની નજર તેના પર છે.
બ્રિટનમાં વડાપ્રધાન મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવશે. લંડન અને સ્વિડનની મુલાકાત પછી વડાપ્રધાન મોદી ૨૦મી એપ્રિલે બર્લિનમાં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલની પણ મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી ૧૭મીથી ૨૦મી એપ્રિલ સુધી બ્રિટન અને સ્વિડનમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધમંડળો સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ૧૮મી એપ્રિલે બ્રિટીશ વડાંપ્રધાન થેરેસા મે સાથે વેપાર, ટેક્નોલોજી અને શિક્ષણ જેવા મુદ્દે દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. લંડનમાં તેઓ બ્રિટીશ ક્વિન એલિઝાબેથ અને પ્રિન્સ ચાર્લ્સ સાથે પણ ડિનર કરશે.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ આયુર્વેદ અને યુકેની કોલેજ ઓફ મેડિસિન વચ્ચે થયેલા કરાર અંતર્ગત વડાપ્રધાન મોદી લંડનમાં આયુર્વેદિક સેન્ટર ઓફ એક્સલન્સનું પણ ઉદ્ઘાટન કરશે. આ સેન્ટરમાં યોગ અને આયુર્વેદિક આધારિત સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવશે.