આમોદમાં લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ

આમોદમાં લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન મતદારોમાં મતદાન માટે ભારે ઉત્સાહ
New Update

આમોદમાં ભારે ઉત્સાહ સાથે સવારથી જ મતદાન મથકો ઉપર મતદાતાઓની કતારો લાગી હતી. અને શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આમોદમાં વયોવૃદ્ધ લોકોએ પણ મતદાન કરી લોકશાહી પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી.

લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત આજે આમોદમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયાનો સવારે સાત કલાકથી પ્રારંભ થયો હતો. મતદાન મથક ઉપર સવારથી જ મતદારો મતદાન કરવા મતદાન મથક ઉપર પરિવારના સભ્યો સાથે ઉમટી પડ્યા હતા. ભરૂચ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આમ તો ૧૭ ઉમેદવારો મેદાનમાં છે .પરંતુ ભાજપ કોંગ્રેસ અને બીટીપી ઉમેદવારો વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાઈ રહ્યો છે.

આમોદમાં બીટીપી ના રાજકીય વહીવટદારે આમોદ પંથકના કેટલાય ગામોમાં પોલિંગ એજન્ટો માટેની વ્યવસ્થા ના કરતાં બીટીપીને ભારે ફટકો પડે તેમ લાગી રહ્યું છે. આમોદ ભીલીસ્તાન ટાઇગર સેનાના પ્રમુખ ગિરીશ માછીએ જાહેરમાં મીડિયા સમક્ષ પોતાનો બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે છોટુભાઈ વસાવાની પાર્ટી માટે કામ કરીએ છીએ પરંતુ આજ કાલના આવેલા લોકોને પાર્ટીએ વહીવટ આપી દીધો હતો. તેમજ પોલિંગ એજન્ટોને કોઈ રોકડ રકમ ના મળતા આમોદ શહેર તેમજ તાલુકાના કેટલાય ગામોમાં પોલિંગ એજન્ટો મળ્યા નહોતાં. આ ઉપરાંત આમોદ તાલુકાના કેટલાય ગામડામાં બીટીપી ની મતદાર સ્લીપો પણ વહેંચવામાં આવી નહોતી. આમોદ નગરમાં રહેતા બી.ટી.પી. ના રાજકીય આગેવાન એમ. બી. પંડ્યાને પોલિંગ એજન્ટો ના મળતા પોતાના ઘરના જ સભ્યો તેમજ સંબંધીઓને પોલિંગ એજન્ટમાં બેસાડવા પડ્યા હતા.

બીજી બાજુ આમોદ તાલુકાના કેટલાક ગામોમાં ઇવીએમ તથા વીવીપેટ મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા કલાકથી અડધો કલાક ખોરવાઈ ગઈ હતી. અને તેલોદ કેરવાડા તથા પુરસા ગામે વીવીપેટ બદલાતાં ફરીથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કેરવાડા ગામે વીવીપેટ મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા સવારે ૭:૩૮ કલાકે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.આમોદ તાલુકાના પુરસા ગામે વીવીપેટ મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વીવીપેટ મશીન બદલ્યા બાદ ફરીથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

Here are a few more articles:
Read the Next Article