/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/08130911/maxresdefault-87.jpg)
જગવિખ્યાત સોમનાથ મદિરનું સાંનિઘ્ય કાયમી પ્રવાસીઓના આવન-જાવનથી ઘમઘમતુ રહે છે. પરંતુ કોરોના મહામારીના કારણે છેલ્લા 6 માસથી અહી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે સોમનાથ મહાદેવ મંદિરની આસપાસના ઘંઘા-રોજગારો પડી ભાંગ્યા છે.
સોમનાથ મહાદેવ મંદિર પરીસરની આસપાસના વિસ્તારોમાં પૂજા-સામાનની દુકાનો, નાની-મોટી હોટલો સહિત રેસ્ટોરન્ટ, ભોજનાલયો તેમજ પાથરણાવાળા પોતાનો રોજગાર ધંધો ચલાવે છે. પરંતુ છેલ્લા 6 માસથી કોરોના મહામારીના કારણે અહી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં અહીના તમામ વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે, ત્યારે રોજે રોજનું કમાણી કરી ગુજરાન ચલાવતા ગરીબ અને મઘ્યમ વર્ગના અન્ય લોકોને પણ ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. જોકે યાત્રાઘામ સોમનાથના વેપારીઓના મતે કોરોનાના કારણે ટ્રેન, બસ જેવા વાહન વ્યવહારો બંઘ હોવાથી અન્ય રાજ્યોના પ્રવાસીઓ નહીવત આવી રહ્યા છે, જ્યારે ગુજરાતના પ્રવાસીઓ આવે તો ફક્ત દર્શન કર્યા બાદ બજારોમાં કોઈ ખરીદી કરતા ન હોવાથી વેપાર ધંધાને પણ માઠી અસર પહોંચી રહી છે.
કાયમી પ્રવાસીઓની ચહલ પહલથી ઘમઘમતુ યાત્રાઘામ સોમનાથ હાલ સુનકાર ભાસતુ નજરે પડી રહ્યું છે. ખાસ કરીને સોમનાથમાં આકાશી રોજગારી મેળવતા નાના-મોટા વેપારીઓને શ્રાવણ માસમાં સારા વેપારની આશા રહેતી હોય છે. પરંતુ કોરોનાના કહેરના કારણે શ્રાવણ માસમાં દર વર્ષે આવતા પ્રવાસીઓની સંખ્યામાં માત્ર 10 ટકા જ પ્રવાસીઓ આવ્યા હતા. જેથી શ્રાવણ માસ દરમ્યાન કરવામાં આવતો વેપાર પણ મહામંદી વચ્ચે પસાર થયો છે.
સોમનાથના ઠપ્પ થઇ ગયેલા વેપાર-ઘંઘા અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે, કોરોના મહામારીના કારણે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા યાત્રીકોની સંખ્યામાં 90 ટકા સુઘીનો નોંઘપાત્ર ઘટાડો થયો છે. જેની વ્યાપક અસર સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટહાઉસ અને ભોજનાલયો સહિતના સ્થાનીક વેપાર ઘંઘાને થઇ છે. દર વર્ષે શ્રાવણ માસમાં 25 લાખથી વઘુ પ્રવાસીઓ સોમનાથ આવે છે. જેની સામે ચાલુ વર્ષે શ્રાવણ માસમાં માત્ર 1.80 લાખ પ્રવાસીઓ જ દર્શનાર્થે આવ્યા હતા.