/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/18-4.jpg)
ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માગ
ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પોષણક્ષમ ભાવ, પાક વીમા, અન્ય રાજ્યોની માફક ૧૮થી ર૪ કલાક વીજળી, દેવા માફી, જમીન સંપાદન વગેરે મુદ્દે તા. ૮મીથી ૩ દિવસ વિરોધ પ્રદર્શન, આંદોલન, આવેદન આપવાના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતા. જે અંતર્ગત શુક્રવારે રાજ્યના ૩૩ જિલ્લાના ૨૪૯ તાલુકા મથકો પર ધરણાં-પ્રદર્શન યોજી સ્થાનિક મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગાંધીનગરના માણસા ખાતે તો વિધાનસભા વિરોધપક્ષના નેતા અમરેલી ખાતેના પ્રદર્શનમાં જોડાયા હતા અને ખેડૂતોના પ્રશ્નો હલ કરવા માગણી કરી હતી. કેશોદમાં ખેડૂતો ઉગ્ર પ્રદર્શન કરે તે પહેલા એમની અટકાયત થઈ હતી.
સૌરાષ્ટ્રમાં ખેડૂત હિત રક્ષક સમિતી તથા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર આંદોલન કરવામાં આવ્યા હતા. રાજકોટમાં મોરબી રોડ પર બેડી ગામ પાસે જિલ્લા કોંગ્રેસના કાર્યકરો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તેમણે ખેડૂત વિરોધી નીતિની ઝાટકણી કાઢી રસ્તા પર દૂધ અને શાકભાજી ઢોળી આક્રોશ ઠાલવ્યો હતો. કેશોદમાં ખેડૂત હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસના કાર્યકરો કેશોદ ગામ બંધ કરાવે અને સરકારની નનામી કાઢે તે પહેલા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. ગામ બંધના એલાનની પણ કોઈ અસર દેખાઈ ન હતી.
પ્રાંતિજ પોલીસની કિન્નાખોરીઃ અટક કરી છોડયા પછી ગુનો નોંધ્યો !
સાબરકાંઠામાં પણ ખેડૂતોએ નેશનલ હાઈવે પર શાકભાજીનો ઢગલો કરી વિરોધ નોંધાવેલો. પરંતુ પ્રાંતિજ પાસે ભેગા થઈ વિરોધ નોંધાવનારા આ ખેડૂતો સાથે પોલીસે ધરાર જાણે કિન્નાખોરી રાખી હતી. પ્રાંતિજ નેશનલ હાઈવે પર અને પોગલુ પાટિયા પાસે ખેડૂતોએ શાકભાજીના ઢગ ખડકી દીધેલા.
જેના પગલે પોલીસે નવ ખેડૂતોની અટકાયત કરી હતી. સામાન્યપણે બને છે તેમ થોડા જ સમયમાં તેમને છોડી મુકેલા. પરંતુ ખેડૂતોના આંચકા વચ્ચે મોડી સાંજે આ નવે નવ સામે પોલીસે જાહેર મિલકતોને નુકશાન પહોંચાડવાનો ગુનો નોંધી એફઆઈઆર કરી દીધી હતી. આના કારણે ખેડૂતોમાં સરકાર સામે ઉગ્ર રોષ વ્યાપ્યો છે.
સૂત્રાપાડાના ખેડૂતોએ દૂધ આપવાનું બંધ કર્યું
સુત્રાપાડા તાલુકાના લોઢવા તથા અન્ય ગામડામાં ખેડૂતોએ ડેરીમાં દૂધ આપવાનું બે દિવસથી બંધ કરીને આ ખેડૂત આંદોલનમાં જોડાઈને તેને ટેકો આપ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ તરીકે રીબડિયા
રાજ્યમાં ખેડૂતોના આંદોલનને સમર્થન દરમિયાન જ પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય હર્ષદ રિબડિયાની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ તરફથી શુક્રવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
સરકારને જગાડવા આજે ઘંટારવ કાર્યક્રમ
નવમી જૂનના શનિવારે સાંજે પાંચ વાગ્યે ખેડૂતોના પ્રશ્નો અંગે સરકારને જગાડવા રાજ્યના ગામે ગામ ઝાલરનાદ, ઘંટારવ, ચમચી-વાટકી લઈને નીકળી પડવા કોંગ્રેસે લોકોને અપીલ કરી છે.