/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/05151804/maxresdefault-52.jpg)
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામની જન્મભુમિ અયોધ્યામાં રામમંદિરનો બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. વર્ષો બાદ રામ મંદિરનું સ્વપ્ન સાકાર થતાં ભરૂચ સહિત રાજયના અન્ય શહેરોમાં ઉજવણી કરાય હતી.
ભરૂચ શહેરના શકિતનાથ વિસ્તારમાં વિશ્વ હીંદુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મિઠાઇ ખવડાવી ઉજવણી કરી હતી. તેમણે આજના પ્રસંગને હીંદુ સમાજ માટે ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો હતો.
ભરૂચમાં મહાદેવ ગૃપના યુવાનોએ પણ રામમંદિરના શિલાન્યાસ પ્રસંગની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી. શકિતનાથ વિસ્તારમાં યુવાનોએ ફટાકડા ફોડયાં હતાં તેમજ મિઠાઇ વહેંચી હતી.
હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં આવેલાં મંદિરમાં શંખનાદ અને ઘંટારવ સાથે રામ મંદિરના ભુમિપુજનના પ્રસંગના વધામણા લેવામાં આવ્યાં હતાં.
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પણ ભાજપ દ્વારા ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાજપ કાર્યાલયના પટાંગણમાં કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી. આગેવાનો અને કાર્યકરોએ ભેગા થઇ મિઠાઇ વહેંચી હતી.
ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી અંકલેશ્વર ખાતે પણ રામજન્મ ભુમિ સ્થળે રામ મંદિરના શિલાન્યાસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કારી નગરી વડોદરામાં કોંગ્રેસના કાર્યકરોએ પણ રામમંદિરના શિલાન્યાસની ઉજવણી કરી હતી. આ ઉપરાંત છાણી, કડકબજાર, મંગલબજાર અને સયાજીગંજ વિસ્તાર તથા ભાયલી ગામમાં લોકોએ ઉજવણી કરી હતી.