/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/DSC_4287.jpg)
મહિલાઓના સર્વાંગીણ વિકાસ અર્થે સરકારે ૩૦૦ થી વધુ યોજનાઓ અમલીત કરી છે-લીલાબેન અંકોલીયા
ગુજરાત સરકારે મહિલાઓના સર્વાંગીણ વિકાસ અર્થે ૩૦૦થી વધુ યોજનાઓ રાજ્યમાં અમલીત કરી છે. સામાજિક, શૈક્ષણિક, આર્થિક, આરોગ્ય જેવા ક્ષેત્રોમાં ખાસ દરકાર કરીને રાજ્ય સરકારે રાજ્યની મહિલાઓને યોજનાકીય પીઠબળ પુરૂં પાડયું છે. સમાજમાં સ્ત્રીને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેવા તમામ પગલા રાજ્ય સરકારે લીધા છે તેમ ગોધરાના ભામૈયા સ્થિત ત્રિમૂર્તિ મંદિરના હોલ ખાતે યોજાયેલા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પંચમહાલ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે આયોજિત નારી સંમેલનમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધ્યક્ષા લીલાબેન અંકોલીયાએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, મહિલાઓ પોતાના હક્કો સાથે કાયદાઓથી જાણકાર થાય તે માટે રાજ્યમાં મહિલા આયોગની રચના કરવામાં આવી છે. આયોગ,મહિલાઓની સુરક્ષા, સલામતિ, સામાજિક, અર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે કામ કરે છે. તેમજ તેમના પ્રશ્નોનો ૧૫ દિવસમાં નિકાલ કરે છે.
લીલાબેન અંકોલીયાએ જણાવ્યું હતું કે, સમાજમાં મહિલાઓના થતાં શોષણ, ગુનાઓને દુર કરવા સાથે ઘર-પરિવારમાં થતાં ઝઘડાઓમાં સમાધાનકારી ન્યાય અપાવવામાં મહિલા આયોગ અસરકારક રીતે મદદ કરે છે. આયોગ દ્વારા, રાજ્યમાં ૨૭૦ નારી અદાલતો કાર્યરત કરવામાં આવી છે અને ૬૦૦૦ મહિલાઓ નારી અદાલતો સાથે જોડાઇને રાજ્યમાં મહિલાઓના પ્રશ્નોને ઉકેલે છે.
જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે નારી સંમેલનનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, સરકારની કલ્યાણકારી યોજનાઓ અને કાયદાઓની જાણકારી સાથે સમાજમાં નારીને યોગ્ય સ્થાન મળી રહે તે માટે રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરે છે. ત્રિસ્તરિય પંચાયતી રાજમાં મહિલાઓને સમોવડી બનાવવા પંચાયતી રાજના કાયદાઓ અને અધિનિયમોમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા પ્રતિનિધિત્વ માટે ૫૦ ટકા બેઠકો અનામત કરવામાં આવી છે. તેમણે સમાજમાં પ્રવર્તી રહેલા દિકરી અને વહુ વચ્ચેના તફાવતને દુર કરવા, યોજનાઓ અને કાયદાઓનો મહત્તમ ઉપયોગ કરવા અને કાયદાનો દુરૂપયોગ ન કરવા ઉપસ્થિત મહિલા સમુદાયને સંબોધતાં વધુમાં કહ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં.
જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે, મહિલા પોલીસ સ્ટેશન, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સીસ્ટમની કામગીરી સાથે સુરક્ષા સેતુ દ્વારા મહિલાઓને આત્મ રક્ષાની અને આત્મ નિર્ભર તાલીમ અંગેની જાણકારી આપી હતી.
ગુજરાત રાજ્ય મહિલા આયોગના સભ્ય સચિવ અને અધિક કલેકટર વીણાબેન પટેલે આયોગની કામગીરી, મહિલા હેલ્પ લાઇન ૧૮૧ – અભયમ વિશે સવિસ્તર માહિતી આપી હતી.
નારી સંમેલનમાં સૌનું શાબ્દિક સ્વાગત મહિલા અને બાળ વિકાસના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો. પી.કે.શ્રીવાસ્તવે કર્યું હતું.
આ પ્રસંગે, પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઇ, નારી કેન્દ્રના ચેરમેન વિભાક્ષીબેન દેસાઇ, બ્રહ્માકુમારીઝના સુરેખાદીદી, ગોધરા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અરવિંદભાઇ પરમાર, અગ્રણીઓ, મહાનુભાવો, આમંત્રિતો અને ખુબ મોટી સંખ્યામાં જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.