જંબુસર શહેરમાં ભાદરવા સુદ ચોથથી ૬ દિવસનું આતિથ્ય માણવા વિધ્નહર્તાની સવારી આવી પહોંચી છે. નગર ગણેશમય બની ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી રહયું છે. ગણેશ પંડાલોમાં વિવિધ શણગાર કરી ગણેશ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે નગરના ભુત ફળીયા વિસ્તારમાં છેલ્લા 114 વર્ષ ઉપરાંતથી ગણેશજીની માટીની બનેલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે.
જંબુસર નગરમાં ગણેશ મહોત્સવની શરૂઆત ભૂત ફળિયા, ભાગલીવાડ ખાતે રહેતા મરાઠા સમાજ દ્વારા ૧૯૦૫ માં કરવામાં આવી હતી. હિન્દુ સંસ્કૃતિમાં ગણેશ સ્થાપનાનુ અનેરુ મહત્ત્વ છે. શહેરમા ભાદરવા સુદ ચોથથી દશમ સુધી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે. નગરના અનેક વિસ્તારો સોસાયટી તથા ઘરોમાં ગણેશ સ્થાપના કરી ગણપતિની મૂર્તિને વિવિધ શણગારથી સજાવવામાં આવે છે. મરાઠા સમાજ દ્વારા ગણેશ સ્થાપનાની મહત્વતા અને તેનો સંપૂર્ણ ધાર્મિક પાલન કરી આદર્શ સત્કારથી ગણેશ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.
ભૂત ફળિયામાં છેલ્લા ૧૧૪ વર્ષથી ગણેશજીની સંપૂર્ણ માટીમાંથી બનાવેલી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. મુર્તિની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મૂવિંગ ડેકોરેશન પણ કરવામાં આવે છે. જેને લઇ વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું છે. હાલ ચાલુ વર્ષે ગણેશ સ્થાપનાને ૧૧૪ માં વર્ષે મંગલ પ્રવેશ કર્યો છે. ભાદરવા સુદ નોમના દિને સમગ્ર મરાઠા સમાજ દ્વારા ગણેશ યાગ તથા અન્નકુટનું આયોજન કરવામાં આવેલ છે. ગણેશ યાગમાં અંદાજિત ૬૦ જેટલા જોડાએે પૂજન અર્ચનનો લાભ લીધો હતો.પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવેલ પ્રતિમાઓ વિસર્જન તો કરવામાં આવે છે. પરંતુ તે સમય જતાં મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી જ્યારે માટીની મૂર્તિઓ પાણીમાં ઓગળી જાય છે. જેને લઇ દરેક ગણેશ મંડળોએ આવનારા સમયમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવ ઉજવવો જોઈએ તેમ વડીલોએ જણાવ્યું હતું.