ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ શરૂ થતાં જ ભારતના વધુ એક સ્ટાર ખેલાડીનો સમાવેશ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની યાદીમાં થઈ શકે છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ફાસ્ટ બોલર આકાશ દીપની પીઠની ઈજાની પુષ્ટી કરી છે.
આ સાથે આકાશ દીપની જગ્યાએ અંશુલ કંબોજને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ બુધવારથી માન્ચેસ્ટરમાં રમાશે. આ મેચ બપોરે 3.30 વાગ્યે (ભારતીય સમય) શરૂ થશે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ચોથી ટેસ્ટના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રસિદ્ધ કૃષ્ણા અને અંશુલ કંબોજમાંથી કોઈ એકને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પસંદ કરવામાં આવશે. ત્રીજી ટેસ્ટ પછી બેકનહામમાં પ્રેક્ટિસ દરમિયાન અર્શદીપ સિંહને હાથની ઈજા થયા બાદ કંબોજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગિલે કહ્યું હતું કે, 'જ્યારે ખેલાડીઓ ઘાયલ થાય છે ત્યારે તે ક્યારેય સરળ હોતું નથી. નીતિશ આખી શ્રેણીમાંથી બહાર છે અને આકાશ પણ આ મેચ માટે ઉપલબ્ધ નથી. જોકે, અમારી પાસે 20 વિકેટ લેવા માટે પૂરતા સારા ખેલાડીઓ છે.'
સોમવારે ટીમના પ્રેક્ટિસ સેશનમાં અંશુલ કંબોજે બોલિંગ કરી હતી. ભારતીય કેપ્ટને કહ્યું, 'કંબોજ ડેબ્યૂ કરવાની નજીક છે. તમને કાલે ખબર પડશે કે તે અથવા પ્રસિદ્ધ કૃષ્ણા બેમાંથી કોઈ એકને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે કે નહીં.' ગિલે કહ્યું હતું કે કંબોજ પણ આકાશ દીપ જેવો મેચ વિનર બોલર છે. બર્મિંગહામ ટેસ્ટમાં 10 વિકેટ લઈને આકાશદીપે ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.