ડાંગ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આયુર્વેદિક ઉપચાર કેન્દ્રની લીધી મુલાકાત, વૈધરાજો સાથે સાધ્યો સંવાદ

New Update
ડાંગ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આયુર્વેદિક ઉપચાર કેન્દ્રની લીધી મુલાકાત, વૈધરાજો સાથે સાધ્યો સંવાદ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ ગિરિમથક સાપુતારા ખાતે ભારતની પ્રાચિનતમ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ સર્વજન હિતાય, સર્વજન સુખાયના આશય સાથે ભાવિ પેઢીને પણ મળી રહે તે માટે જ્ઞાનનું આદાન પ્રદાન જરૂરી છે તેમ જણાવ્યું હતું. સાંપ્રત સમયમાં વિશ્વ જ્યારે ભારતની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ તરફ આશાની મીટ માંડી રહ્યું છે, ત્યારે ડાંગના વૈધરાજોએ પણ તેમના જ્ઞાનની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા વધે તેવા પ્રયાસો કરવા જોઈએ તેમ જણાવી રાજ્યપાલ એ વૈદ્યકીય જ્ઞાનમાં જેમની ભક્તિ રહેલી છે, તેવા ભગતજનોની સેવાભાવનાને બિરદાવી હતી.

ડાંગ જિલ્લામા જરૂરિયાતમંદોની સેવા કરતા વૈધરાજોને સમયાંતરે પરસ્પર તેમના જ્ઞાનનું આદાન પ્રદાન કરતા રહીને, ચિકિત્સા પદ્ધતિનુ આધારભૂત દસ્તાવેજીકરણ કરવાનો પણ તેમણે અનુરોધ કર્યો હતો. કોરોનાના કપરા કાળમાં ડાંગ જિલ્લાના ગામે ગામ વૈધરાજોના સહયોગથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરીને, ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવાના કારણે, ડાંગ જિલ્લામાં કોરોનાના સંક્રમણને મહદઅંશે રોકી શકાયું છે. તંત્રના આ પ્રયાસોની સરાહના કરતા રાજયપાલ એ ડાંગના સ્થાનિક ખેડૂતો માટે વન ઔષધિઓની ખેતી ફાયદાકારક બની શકે છે તેમ જણાવ્યું હતું. દંડકારણ્યની પાવન ભૂમિ અને અંજનિપુત્ર હનુમાનજીના જન્મ સ્થળ એવા ડાંગ જિલ્લાના ભગતોને વારસામાં મળેલા પૂર્વજોના અમૂલ્ય જ્ઞાનનો ખજાનો વધુ લોકભોગ્ય બને તેવા પ્રયાસોની હિમાયત કરતા રાજ્યપાલએ વિદ્યા વહેંચતા વધે છે તેમ જણાવી માનવજાતની ઉત્તમ સેવા કરવાની મળેલી સ્વર્ણિમ તકનો પ્રજાકલ્યાણના કાર્યમાં ઉપયોગ કરવાની પણ વૈધરાજોને અપીલ કરી હતી. ગિરિમથકની ગોદમાં આવેલા આયુર્વેદિક ઉપચાર કેન્દ્રની મુલાકાત સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ ડાંગના વૈધરાજો સાથે સંવાદ સાધી, કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી. રાજ્યપાલની મુલાકાત વેળા તેમની સાથે લેડી ગવર્નર પણ જોડાયા હતા. મુલાકાત વેળા ડાંગ કલેકટર એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ પૂરક વિગતો રજૂ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિતના સંબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

Latest Stories