ધોરણ ૧૨ સાયન્સમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે

New Update
ધોરણ ૧૨ સાયન્સમાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે

ધોરણ ૧૨ સાયન્સમાં બે વિષયમાં નાપાસ થનારા ૮,૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જુલાઈમાં યોજાનારી પૂરક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બેસવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પૂરક પરીક્ષા આપવા માટે ફક્ત એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જ મંજૂરી આપવામાં આવતી હતી.

જો કે બોર્ડના આ નિર્ણય અંગે માનવામાં આવી રહ્યું છે કે ખાલી રહેતી એન્જિનિયરિંગ કોલેજોની તરફેણમાં આ નિર્ણય લેવાયો છે. સત્તાવાર માહિતી પ્રમાણે, આ વર્ષે એક વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓ માત્ર ૪૫૭ છે. જ્યારે ૮,૬૪૪ વિદ્યાર્થીઓ બે વિષયમાં નાપાસ થયા છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે, બોર્ડની કારોબારીની મીટિંગમાં બોર્ડના સભ્યો દ્વારા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવા દેવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. જેને એકમત મંજૂરી મળી હતી.

હાલના ધોરણ ૧૨ સાયન્સ પરિણામને જોતાં રાજ્યની અડધી એન્જિનિયરિંગ કોલેજને વિદ્યાર્થીઓ નહીં મળે તેવી સ્થિતિ છે. રાજ્યની ૧૪૧ એન્જિનિયરિંગ કોલેજમાં ૬૭,૦૦૦ બેઠકો છે. જેની સામે ૪૪,૫૪૫ વિદ્યાર્થીઓ (મુખ્ય વિષય ગણિત હોય તેવા વિદ્યાર્થીઓ)એ ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આ વર્ષે ૩૮,૦૦૦ જેટલી બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. ગયા વર્ષે એન્જિનિયરિંગ કોલેજમાં ૩૩,૦૦૦ બેઠકો ખાલી હતી. જો વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા પાસ કરવાની તક મળે તો એન્જિનિયરિંગ કોલેજોને રાહત થશે. કારણકે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC)એ ભૂતકાળમાં કોલેજોને પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને એડમિશન આપવાની મંજૂરી આપી હતી.

સેલ્ફ ફાયનાંસ કોલેજ મેનેજમેંટ અસોસિએશનના પ્રમુખ જનક ખાંડવાલાએ કહ્યું કે, “આ નિર્ણયથી રાહત થશે કારણકે વિદ્યાર્થીઓના અભાવે ઘણી કોલેજો બંધ થવાના આરે છે. મને લાગે છે કે જે 9,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તેમાંથી ૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને કોલેજો એડમિશન આપી શકશે.” ACPCના સેક્રેટરી જી.પી. વડોદરિયાએ કહ્યું કે, “પૂરક પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને અમે માત્ર ખાલી પડેલી બેઠકો પર જ એડમિશન આપીશું.”

Latest Stories