નર્મદા જિલ્લામાં બૂટલેગરો બેફામ, રેડ કરવા જતાં હથિયારો સાથે પોલીસ ઉપર કર્યો હુમલો

New Update
નર્મદા જિલ્લામાં બૂટલેગરો બેફામ, રેડ કરવા જતાં હથિયારો સાથે પોલીસ ઉપર કર્યો હુમલો

પોલીસે 3 બૂટલેગરોને ઝડપી પાડી જાહેરમાર્ગ પર ઉઠબેસ કરાવી, નગરમાં સરઘસ કાઢ્યું

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા ભરાડા ગામે દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીના આધારે રેઇડ કરવા ગયેલી એલસીબીની ટીમ ઉપર બુટલેગરોએ તલવાર સહિત અન્ય મારક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં એક કોન્સટેબલને ઈજા પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીને ઝડપીને દેડીયાપાડા લવાયા હતા. તેમનું જાહેરમાં સરઘસ કાઢી ઉઠબેસ કરાવી હતી. જિલ્લામાં બે મહિનાના ટુંકા ગાળામાં બુટલેગરોના પોલીસ પર હુમલાનો બનાવ બન્યો છે. આ પહેલાં ગરૂડેશ્વર નજીક એસીપીની જીપ પર બુટલેગરોએ પથ્થરમારો કર્યો હતો.

publive-image

ઘટનાની વિગતો એવી છે કે, એલસીબીની ટીમના ૮ પોલીસ જવાનો ડેડીયાપાડામાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ભરાડા ગામ નજીક કેટલાક શખ્સો જીપમાંથી દારૂની પેટીઓ ઉતારી રહયાં હતાં. પોલીસે તેમને પડકારતા ગાડી પાસે હાજર રહેલાં ચાર બુટલેગરોએ ‘સાલો કો કાટ ડાલો’ તેમ કહી ગાડીમાંથી તલવારો કાઢીને પોલીસ પર હુમલો કર્યો હતો. જોકે પોલીસ જવાનોઓ જીવનાં જોખમે પણ બુટલેગરો પાસેથી તલવારો ખેંચી લઇને ૩ બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અંધારાનો લાભ લઈને સ્થાનિક બુટલેગર પોલીસને ધક્કો મારીને ફરાર થયો હતો.

બુટલેગરો સાથેની ઝપાઝપીમાં હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર ઈશ્વર વસાવાને સામાન્ય ઇજા થઇ હતી. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં રાજેશ પ્રભાકર વસાવે, રૂપેશ કાંતીલાલ વસાવે તથા રાજેન્દ્ર ઉર્ફે નકો રામજી વસાવાનો સમાવેશ થાય છે. જ્યારે અજય કાલીદાસ વસાવા ફરાર થઇ ગયો હતો. આરોપીઓ પાસેથી પોલીસે દારૂ તથા જીપ મળીને કુલ રૂપિયા 5 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. દેડિયાપાડા પોલીસ મથકે તમામ વિરૂધ્ધ ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories