નવસારીના સુપા કુરેલ ગામે કપિરાજના આતંક થી ૧૯ ઘાયલ થતા ભય ફેલાયો

New Update
નવસારીના સુપા કુરેલ ગામે કપિરાજના આતંક થી ૧૯ ઘાયલ થતા ભય ફેલાયો

નવસારી તાલુકાના પુર્ણા નદીના બે છેડે વસેલા બે ગામો સુપા અને કુરેલમાં ૬ જેટલા કપિરાજ જોવા મળે છે. જેમાંથી છેલ્લા બે મહિનાથી એક કપિરાજ તોફાને ચડતા બને ગામોમાં આતંક મચાવી દીધો છે. કપિરાજે ગામમાં ચાલતા, કે વાહન પર જતા લોકોને પાછળથી આવી એમના ઉપર હુમલો કરી ઘાયલ પણ કર્યા છે.

તા.૧૫મીના રોજ કપીરાજે એક વૃધ્ધા ઉપર પાછળથી હુમલો કરી એમને જમીન પર પાડી દીધા હતા. જેમાં વૃધ્ધાને પગમા ફેક્ચર થવા સાથે લકવાની અસર પણ જણાઇ હતી. જ્યારે સુપા ગામના બીપીનભાઇ મિસ્ત્રી ઉપર ૮ થી ૯ વાર હુમલો કરી ચુક્યો છે. કપિરાજ એટલો ચબરાક છે કે, બીપીનભાઇ જ્યાં પણ જાય એમની પાછળ દોડે છે અને તેમના ઉપર હુમલો કરે છે. તા.૧૬મીના રોજ પણ બીપીનભાઇ બપોરે બાઇક બદલીને કુરેલ ગામે દુધ ભરવા ગયા તો તેમની પાછળ કપિરાજ પણ કુરેલ ગામે પણ પહોંચ્યો હતો અને એમના પર હુમલો કર્યો હતો.

સુપા કુરેલ ગામે છેલ્લા બે મહિનાથી આંતક મચાવતા લંગુર પ્રજાતિના કપીરાજનો આતંક સુપા ગામના સીસીટીવી કેમેરાઓમાં કેદ થતા ગ્રામજનો ચિંતામા મુકાયા હતા. જેથી તેમણે ૨૦ દિવસ અગાઉ જ વન વિભાગને આ ઘટનાઓની જાણ કરી હતી, વન વિભાગે ગામમાં આ કપીરાજને પકડવા પાંજરૂ પણ ગોઠવ્યું હતુ. પરંતુ ચાલાક કપિરાજ પાંજરામાં ફાસાયો ના હતો. વન વિભાગે એનિમલ વેલફેર ફાઉંડેશનના સ્વયંસેવીઓ સાથે મળીને છેલ્લા ૫ દિવસોથી કસરત શરૂ કરી છે. જાળ,ગાળિયો,પાંજરૂ કે બીપીનભાઇને સાથે રાખીને કપિરાજને પકડવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ કપિરાજ પકડાતો નથી. જોકે વડોદરાથી વાનર પકડવામાં હોંશિયાર લોકોની ટીમ પણ બોલાવાઇ હતી. પરંતુ એમણે પણ કપિરાજને પાંજરે પુરવા ભારે પરસેવો પાડવો પડશે તેવું લાગી રહ્યું છે.

આ અંગે નવસારીના આ.એફ.ઓ.વત્સલ પંડ્યાએ તેમની સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે,હાલ ની પરિસ્થિતિ જોતા આ વાનર બહુ જ હિંસક થઈ ગયો છે. જેણે એક વ્યક્તિ ઉપર વારંવાર હુમલા કર્યા છે. અમારી ટીમ તેને ઝડપી પાડવા પ્રયત્ન કરી રહી છે પણ તે હાથ માં આવ્યો નથી. કપીરાજ ને કંન્ટ્રોલ કરવા ડાર્ટ માટે અમારે મંજૂરી લેવી પડતી હોય છે અને તેની વિશેષ ટિમ પણ બોલાવવી પડે છે. અમે તેની કાર્યવાહી ચાલુ કરી છે. હાલ તો વડોદરા થી એક્સપર્ટ બોલાવ્યા છે અને તેમના દ્વારા કપીરાજને પક્ડવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

Latest Stories