/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/IMG-20170802-WA0055.jpg)
મહિલા સશક્તિકરણ પખવાડિયાના પ્રથમ દિવસે પંચમહાલ જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દલુની વાડી પ્રાથમિક શાળા ખાતેથી રેલી યોજવામાં આવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ગોધરા નગરપાલિકા પ્રમુખ વિદ્યાબહેન હરવાણીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓની રેલીને દલુની વાડી પ્રાથમિક શાળા ખાતે થી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રસંગે પોલીસ અધિક્ષક ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, મહિલા સશક્તિકરણને રાજ્ય સરકારે વિશેષ પ્રાધાન્ય આપ્યુ છે. મહિલાઓના મજબૂતી કરણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. બાળકીના જન્મથી માંડી શિક્ષણ-કેળવણી, ઉચ્ચ અભ્યાસની અનેક સહાય સાથે વિવિધ ક્ષેત્રોમાં મહિલાનું યોગદાન વધે તે માટે જરૂરી તમામ પગલા રાજ્ય સરકારે લીધા છે. બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને ગુંજતુ કરી સમાજમાં મહિલાઓને બરાબરીનું સ્થાન આપ્યુ છે.
સમાજને મહિલા સશક્તિકરણના સંદેશા રૂપે કાઢવામાં આવેલી રેલીમાં વિદ્યાર્થીનીઓએ “ દીકરો દીકરી એક સમાન”, “દીકરો તારે એક પેઢી, દીકરી તારે સાત પેઢી”, “ભૃણ હત્યા અટકાવીએ, દીકરીઓને બચાવીએ”, “દીકરી રૂડી, સાચી મૂડી” જેવા સૂત્રોથી ગોધરા શહેરના માર્ગોને ગુંજતા કર્યા હતા.
ગોધરા પોલીસ હેડક્વાર્ટના ગ્રાઉન્ડ ખાતે પહોંચેલી રેલી બાદ વિદ્યાર્થીનીઓને ઘોડે સવાર પોલીસ દળ દ્વારા તાલીમ આપવા સાથે ઘોડે સવારી કરાવી હતી. ઘોઘંબાની આશ્રમ શાળાના રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ તિરંદાજીમાં ઝળકેલા વિદ્યાર્થીઓએ તીરંદાજી શિખવાડી હતી. ત્યાર બાદ શાળાની આ દીકરીઓને રક્ષણ માટેના શસ્ત્રોની ઓળખ કરાવી હતી.
આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક વસંત નાયી, બિપિનચંદ્ર ઠક્કર, પોલીસ અધિકારીઓ, શિક્ષકો અને નાગરિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.