પાટણમાં જમીન વિવાદમાં આત્મવિલોપન કરનાર યુવાનનું મોત 

New Update
પાટણમાં જમીન વિવાદમાં આત્મવિલોપન કરનાર યુવાનનું મોત 

જમીન મુદ્દે ગુરુવારે કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઈ વણકરનું શુક્રવારે મોડી રાત્રે એપોલો હોસ્પિટલમાં મોત થયુ હતુ. ગુરુવારે સાંજે એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારથી તેમની હાલત ગંભીર હતી. શુક્રવારે પણ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમણે શ્વાસ છોડી દીધા હતા. હોસ્પિટલના તબીબોએ પરિવારજનોની રાહ જોયા પછી તેમનું મોત થયાની પુષ્ટિ કરી હતી.

બીજી બાજુ શુક્રવારે આ ઘટનાને લઈને ફરજપરના પોલીસકર્મીઓ સામે આત્મવિલોપનની ફરિયાદ નોંધવામાં આવી હતી. દલિત સમાજે પણ રેલી કાઢી પાટણમાં દુકાનો બંધ કરાવી હતી.

સમી તાલુકાનાં દુદખા ગામનો એક દલિત પરિવાર છેલ્લા છ એક મહિનાથી ગામની એક જમીન પોતાના નામે કરાવવા પાટણ કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યો હતો. ગુરુવારે આ પરિવાર અને ઊંઝાના દલિત કાર્યકર ભાનુભાઈ વણકર સહિતનાં લોકો પાટણ કલેક્ટર કચેરીએ ન્યાયની માંગણી સાથે પહોંચ્યા હતા. પોલીસની હાજરીમાં જ ભાનુભાઈએ પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી અને કલેક્ટર ઓફિસ તરફ દોટ મૂકી હતી.

ફાયરબ્રિગેડનાં કર્મચારીઓ, પોલીસ અને કલેક્ટર કચેરીનાં સ્ટાફે તેમના પર પાણી, પાઉડરનો મારો ચલાવી, તેમજ ધાબાળા વગેરે થી આગ ઓલવી નાખી હતી. જોકે, ભાનુભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા અને બાદમાં અમદાવાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતુ.

આ ઘટનાનાં રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ચારે તરફ થી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા હતા. દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ મામલે યોગ્ય તપાસ કરવાની અને ભાનુભાઈની સારવારમાં તમામ મદદ કરવાની હૈયાધારણા આપી હતી. જોકે, ભાનુભાઈને ડોક્ટરો બચાવી શક્યા ન હતા. આ મામલો હવે રાજકીય બની ગયો છે. જ્યારે દલિત સમાજમાં આ મામલે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

Latest Stories