/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/17170050/hh.jpg)
શિયાળાના પ્રારંભે જ નિશાચરોએ તરખાટ મચાવવાનું શરૂ કરી દિધું છે. ગત તારીખ
૧૫ મી ની રાત્રીના ભરૂચના પાલેજ નગરના હાર્દસમા બેંકરોડ બજાર પાછળના વિસ્તારમાં
આવેલા યશ જ્વેલર્સમાં તસ્કરોએ ત્રાટકીને રૂપિયા દોઢ લાખ ઉપરાંતના સોના ચાંદીના
ઘરેણાની તસ્કરી કરી પલાયન થઇ જતા દુકાનદારોમાં ફફડાટની
લાગણી જોવા મળી રહી છે. જે સંદર્ભે દુકાન માલિકે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર ભરૂચના
પાલેજ નગરના બેન્ક રોડ બજાર પાછળ આવેલી યશ જ્વેલર્સ નામની બંધ દુકાનમાં ગત પંદરમી
નવેમ્બરની રાત્રિના કોઈ અજાણ્યા ચોર ઇસમોએ બંધ દુકાનને નિશાન બનાવી હતી.
તસ્કરોએ બંધ દુકાનના તાળાના નકુચા તોડી દુકાનમાં પ્રવેશી દુકાનના ટેબલના
ડ્રોવરમાં મૂકેલા ચાંદીના સાંકળા આશરે સો પાંચ કિલોગ્રામ વજનના કિંમત રૂપિયા
સાઇઠહજાર, ચાંદીની ચેન સાતસો
થી આઠસો ગ્રામ વજનની કિંમત રૂપિયા પચ્ચીસ હજાર ચાંદીના આમળિયા તેમજ ચાંદીની લકી
ચાંદીની વીંટી જે તમામ મળી એક કિલોગ્રામ કિંમત રૂપિયા પચ્ચીસ હજાર, સોનાના એરિંગ જોડ નંગ બે કુલ ૧૩ ગ્રામ કિંમત રૂપિયા
પચીસ હજાર, સોનાની કડી જોડ એક
કિંમત રૂપિયા દસહજાર સોનાની કાનની શેરો જોડ નંગ ત્રણ કિંમત રૂપિયા ૧૮,૦૦૦, સોનાની વીંટી નંગ ૧૬ કિંમત રૂપિયા
સત્તાવીસહજાર તેમજ દુકાનના અંદરના ભાગે સીસીટીવી ફૂટેજ ડીવીઆર વાઇફાઇ બોક્સ મળી
કિંમત રૂપિયા ચાર હજાર કુલ મળી રૂપિયા ૧,૯૪,૦૦૦ ની મતાની ચોરી પલાયન થઇ ગયા હતા.
ચોરી સંદર્ભે દુકાન માલિક સુરેશભાઇ મોહનભાઇ સોની હાલ રહે. ભરૂચનાઓએ પાલેજ
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે
ઉલ્લેખનીય છે કે અજાણ્યા તસ્કરોએ તે જ રાત્રીના લીમડા શેરીમાં પણ એક બંધ મકાનને
નિશાન બનાવ્યું હતું. શિયાળાના પ્રારંભે જ તસ્કરોએ તરખાટ મચાવવાનું શરૂ કરતા
નગરજનો દ્વારા કડક પોલીસ પેટ્રોલીંગની માંગ ઉઠવા પામી છે. તસ્કરોના તરખાટથી
નગરજનોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી રહી છે.