/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/01143731/maxresdefault-4.jpg)
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના અવસાન બાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પ્રણવ મુખરજીના પાર્થિવ દેહને દિલ્હીના 10 રાજાજી માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પુષ્પાર્પણ કરી અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સોમવારે સાંજે 84 વર્ષની વયે અવસાન થયું હતું. આજે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, તેમને અહીં સૈન્ય વિદાય આપવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિની આ મહિનામાં જ બ્રેન સર્જરી કરવામાં આવી હતી. સાથે તેઓ કોરોનાવાયરસથી પણ પીડિત હતા. તેમના અવસાન પછી કેન્દ્ર સરકાર અને અનેક રાજ્ય સરકારોએ સાત દિવસનો સત્તાવાર શોક દિવસ જાહેર કર્યો છે.
પ્રણવ મુખરજીના પાર્થિવ દેહને દિલ્હીના 10 રાજાજી માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો, જ્યાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પૂર્વ રાષ્ટ્રપતિના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને અહીં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે અનેક રાજકીય આગેવાનોએ તેમણે પુષ અર્પણ કરી શ્રધ્દ્ધાસુમન પાઠવ્યા હતા.
સોમવારે સાંજે, સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને અંતિમ સંસ્કાર દરમિયાન કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે કોવિડ -19 પ્રોટોકોલને કારણે પૂર્વ રાષ્ટ્રપતિના મૃતદેહને ગન કેરેજના બદલે હર્સ વેન એટ્લે કે શબ વાહિનીમાં લઈ જવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર લોધી રોડ સ્થિત સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના સન્માન માટે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રાજકીય શોક દિવસ મનાવવામાં આવશે. આ સમય દરમિયાન, રાષ્ટ્રધ્વજ ત્રિરંગાને દેશભરમાં નિયમિતપણે જે ઇમારતોમાં લહેરાવવામાં આવે છે ત્યાં ધ્વજને અડધા નમેલા રાખવામાં આવશે અને ક્યાંય કોઈ સત્તાવાર રીતે કોઈ જશ્નનો કાર્યક્રમ નહીં ઉજવાય.