/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/kk.jpg)
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમની જળ સપાટી ઉત્તરો ઉત્તર વધી રહી છે. NCA દ્વારા નર્મદા ડેમને 131 મીટર સુધી ભરવાની પરવાનગી અપાઈ છે. સરદાર સરોવર નર્મદા બંધમાં જળાશય પ્રથમ વખત ભરવાનું હોવાથી એની નિર્ધારિત સપાટી 131.00 મીટરની છે, જે ગુરુવારે મોડી રાત્રે 1:00 વાગે ઐતિહાસિક સપાટી 131.20 મીટરે ઉપર પહોંચી જતા સરદાર સરોવર ડેમના 10 દરવાજા 0.92 સેમી સુધી ખોલાયા હતા. જે બાદ શુક્રવારે એક પછી એક કુલ 25 દરવાજા ખોલાયા હતા, પરંતુ બાદ પાણીની આવક ઓછી થતા શનિવારે સવારે 11 કલાકે ડેમના તમામ દરવાજા બંધ કરી દેવાયા હતા.
ડેમના દરવાજા બંધ કરાયાના કલાકો બાદ જ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ અને મધ્ય પ્રદેશ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. જેને લીધે NCA દ્વારા મંજૂરી અપાયેલ 131 મીટરનું લેવલ ન જળવાતા શનિવારે રાત્રે 131.50 મીટરની સપાટીએ 8:45 કલાકે ડેમના 4 દરવાજા ફરી ખોલાયા હતા. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 131.50 મીટરે પહોંચી છે. એ બાદ વધુ પાણીની આવકને પગલે બીજા 4 ગેટ મળી કુલ 8 ગેટ હાલમાં ખોલાયા છે. હાલ નર્મદા ડેમની પાણીની આવક 130000 ક્યુસેક અને જાવક 1લાખ ક્યુસેક છે. અત્યાર સુધીમાં નર્મદા ડેમના પાવર હાઉસ CHPH માંથી 2839 મેગાવોટ, જ્યારે RBPH માંથી 27508 મેગાવોટ વીજ ઉત્પાદન કરાયું છે. હાલ નર્મદા ડેમની સપાટી 131.65 મીટર છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે નર્મદા ડેમના દરવાજા ખોલાયા હતા ત્યારે વડોદરા,ભરૂચ અને નર્મદા જિલ્લા એમ ત્રણ જિલ્લાને એલર્ટ કરાયા હતા.તો હાલ પણ એ તમામ જિલ્લાઓને એલર્ટ કરાયા છે. આ સાથે નર્મદા જિલ્લાના અધિકારીઓને હેડ ઓફિસ ન છોડવા સૂચના પણ અપાઈ છે. આ ત્રણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોના લોકોને પુર જેવી સ્થિતિ જો સર્જાય તો સુરક્ષિત સ્થળે પહોંચાડવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરાઈ છે.