બહુચરાજી નજીક બોરવેલના ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલી ૨ વર્ષની બાળકીનો દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ બચાવ

New Update
બહુચરાજી નજીક બોરવેલના ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલી ૨ વર્ષની બાળકીનો દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ બચાવ

બહુચરાજી નજીક મારુતિ- સુઝુકી કંપનીના પ્લાન્ટથી દોઢ કિમી દૂર ઓમ લોજિસ્ટીક કંપનીની સામે વેરહાઉસની ખાનગી જગ્યામાં બનાવેલા બોરવેલ પાઇપની બાજુમાં પડેલા ૧૫ ફૂટ ઊંડા ખાડામાં બુધવારે સવારે શીતલ ખુમાણભાઇ રાવત નામની બે વર્ષની બાળકી રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી ગઇ હતી.

publive-image

ઘટનાની મળતી માહિતી અનુસાર વેરહાઉસની સાઇટ પર મૂળ દાહોદના લીમખેડા તાલુકાના જેતપુર ગામના ખુમાણભાઇ રાવત તેમની પત્ની રમીલાબેન અને બે વર્ષની બાળકી શીતલ સહિત અન્ય બે-ત્રણ પરિવારો રહે છે. આ જગ્યામાં બનાવેલા બોરની બાજુમાં જ આ પરિવારો ન્હાય છે અને કપડાં ધુએ છે. જેનું પાણી બોરવેલની પાઇપની બાજુમાં ઉતરતાં બે ફૂટ પહોળું ૧૬ ફૂટ જેટલું ઊંડું પોલાણ સર્જાયું હતું. તા૧૬મીની સવારે ૬.૩૦ વાગે પરિવાર છાપરામાં હતો અને શીતલ અને બીજું એક બાળક રમતાં રમતાં બોરવેલ પાસે પહોંચ્યું હતું. આ સમયે શીતલ ખાડામાં પડતા બીજું બાળક રડવા લાગતાં ઘટનાની જાણ થઇ હતી.

ઘટનાની જાણ થતાં જ પહોંચેલી સુઝુકીની રેસ્કયુ ટીમે ૩૦ મિનિટના દિલધડક જોખમી ઓપરેશન બાદ બાળકીને બચાવી લીધી હતી. બોરવેલના ખાડાની સમાંતર નવો હોલ પાડી તેમાં બીજા બાળકને ઉતારી બાળકીને બહાર કાઢી હતી. બાળકીને હેમખેમ જોઇ પરિવારજનો સહિત હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રેસ્ક્યુ ટીમને બિરદાવી હતી.

Latest Stories