બિટકોઈનના કૌભાંડીનું મંદિરના નામે ફૂલેકું

બિટકોઈનના કૌભાંડીનું મંદિરના નામે ફૂલેકું
New Update

બિટકોઇનના કૌભાંડકારી શૈલેષ ભટ્ટ સાથે મળી વડોદરાના સોનેશ પટેલની જૂની જીથરડી ગામની જમીન ખરીદવા નીકળેલા કે.પી. સ્વામી સહિત ત્રણ સાધુઓને કાલુપુર સ્વામીનારાયણ મંદિર સાથે કોઇ લેવાદેવા નહિ હોવાનું મંદિરના પ્રવકતા સુમીર વકીલે કહ્યું છે. જ્યારે મૂળી સ્વામીનારાયણ મંદિરના વહીવટકર્તાએ કે.પી. સ્વામી રતનપરના અને આત્મપ્રકાશ સાયલાના હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. કે.પી. સ્વામીએ પોલીસની પૂછતાછમાં મૂળી સ્થિત મંદિરના સાધુ હોવાનું કહ્યું છે ત્યારે ખરેખર કે.પી. સ્વામી કયા મંદિરના છે તે યક્ષપ્રશ્ન ઉભો થયો છે.

publive-image

વડોદરામાં જમીન કૌભાંડ બાદ ૨૩ દિવસ પહેલાં જ મંદિરના નામે થતી છેતરપિંડી સામે જાહેર ચેતવણી પ્રસિદ્ધ કરાઇ હતી. કે.પી. સ્વામીએ દુબઇથી રૂા.૧૫૦૦ કરોડનું ફંડ આવ્યું છે તેવું કહ્યું હતું અને ગત વર્ષે ક્રાઇમ બ્રાન્ચમાં તેમના વકીલે નિવેદનમાં પણ આ વાત લખાવી હોવાનું જમીન માલિક સોનેશ પટેલે જણાવ્યું હતું. કાલુપુર મંદિરના વહીવટકર્તાઓ તો રૂા. ૧૫૦૦ કરોડના ફંડની વાત ખોટી છે, મંદિરના ટ્રસ્ટને આટલું મોટું દાન ક્યારેય નહિ મળ્યું હોવાનું કહી રહ્યા છે.

કાલુપુર મંદિરના પીઆરઓ સુમીર વકીલે આ મુદ્દે શું ક્હ્યું હતું તે અહીં પ્રસ્તુત છે.

અમારી તમામ જમીનના માલિક નરનારાયણ દેવ, અન્ય કોઇ નહીં

- કે.પી. સ્વામી કાલુપર સ્વામિનારાયણ મંદિરમાં કયું સ્થાન ધરાવે છે?

કે.પી. સ્વામીને કાલુપુર મંદિર સાથે કોઇ લેવા દેવા નથી. તે સુરેન્દ્રનગરના મૂળી સ્વામીનારાયણ મંદિરના સાધુ છે જ્યારે આત્મપ્રકાશ તેનો ગુરુભાઇ છે. મૂળી મંદિર મૂળ કાલપુરના અંડરમાં આવે, સંતો- મહંતોની બદલી આચાર્ય મહારાજશ્રી કરે પણ ત્યાંનો વહીવટ અલગ, કારભારી અને ટ્રસ્ટી મંડળ પણ અલગ હોય છે. આ કોઇ જગ્યાનો મહંત નથી.

- કાલુપુર મંદિર સાથે સંબંધ નથી તો સોનેશ પટેલને ત્યાં બેસાડીને જમાડ્યા કેવી રીતે ?

કાલુપુર સંતોમાં ૧૬૨ સંતો રહે છે. બધાના ઉતારા અને રૂમો અલગ અલગ હોય છે. સંતોને એકબીજા સાથે સંબંધ હોય તો કાલુપુર આવે. સંપ્રદાય સાથે લેવા દેવા ના હોય તેમને તો ખબર જ ના હોય કે કોણ છે મહંત કે વહીવટકર્તા. આ તો ભગવાનના નામના ભગવા પહેર્યા હોય એટલે આ બધા તરી જાય. પેલા લોકો ભરમાયા હોય, તેમને એવું લાગે કે અમે તો મહંતના રૂમમાં જમ્યા પણ બધા મહંત ના હોય.૫૫૦ સાધુ છે અને મંદિર છે ૬૨ એટલે ૬૨ જ મહંત હોય.

- તમારા મંદિરમાં દુબઇથી ૧૫૦૦ કરોડનું ફંડ આવ્યું છે એ વાત સાચી?

આ વાતમાં જરાય તથ્ય નથી. અમારું દુબઇમાં કોઇ મંદિર નથી. અમારો એકેય સત્સંગી દુબઇમાં રહેતો નથી. અમદાવાદથી સંતો અમેરિકા કે લંડન વાયા દુબઇ થઇને જતા હોય તો તેઓ કોઇ સત્સંગીને ત્યાં બે કલાક માટે જાયને ! દુબઇની વાત કાલુપુર સ્વામીનારાયણ મંદિરના નામે ઉપજાવી કાઢી છે. ચીટિંગ કરવા માટે ઉપયોગ કર્યો હોય તેવું બની શકે.

- સ્વામી આ રીતે જમીન લઇ શકે * ૧૦ લાખ કેવી રીતે આપ્યા * મંદિરનું બંધારણ શું કહે છે ?

જમીન લેવી હોય તો પ્રોપર કમિટી હોય, કમિટીમાં ૫ ગૃહસ્થ એટલે સંસારી, ૨ સાધુ, એક બ્રહ્મચારી અને એક ભગત એટલે પાર્સદ હોય. ડાયરેક્ટર આચાર્ય મહારાજશ્રી હોય. તેમાં ચર્ચા થાય, ત્યારપછી ચેરિટી કમિશનરમાં અરજી આપવી પડે , ત્યાંથી મંજૂરી આવે પછી પૂરેપૂરા ચેકથી પૈસા આપવામાં આવે. અમારી તમામેતમામ જમીનના માલિક નરનારાયણ દેવ. આચાર્ય મહારાજશ્રીના નામે દસ્તાવેજ ના થાય. ૧૦ લાખ પ્રાઇવેટ બિઝનેસ માટે આપ્યા હશે.

- કોઇ સ્વામીએ અગાઉ જમીન કે બિટકોઇનમાં રોકાણ કર્યું હોય તેવું સંસ્થાના ધ્યાનમાં આવ્યું છે ?

એક ડે. મ્યુનિસિપલ કમિશનરના કાકાના દીકરા સાથે પૂર્વાશ્રમનો એક સાધુ હતો, તેને પોતાની પ્રાઇવેટ સંસ્થા લઇ લીધી છે. આ સાધુ ૧૫૦ કરોડની જમીનનો સોદો

પાડવા ગયો હતો. આચાર્ય મહારાજશ્રી વાત કરે છે તેમ કહ્યું હતું, તેનું રેકોર્ડિંગ તેમની પાસે હતું. મીડિયાના વ્યક્તિ મળવા આવ્યા. તેમને રેકોર્ડિંગ સંભળાવ્યું, મહારાજશ્રી કે મોટાબાપજીનો અવાજ ન હતો. અમને ત્યારે ખબર પડી અમારા નામનું ચીટિંગ થાય છે. એટલે અમારો દર મહિને અંક આવે છે તેમાં જાહેર નોટિસ આપી કે કોઇ સાધુ આ રીતે કરી શકે નહિ.

કાલુપુર મંદિરમાં કે.પી સ્વામી મારફતે દુબઇથી આટલું ૧૫૦૦ કરોડ જેટલું મોટુ ફંડ આવ્યું છે ?

સાહેબ, ૧૫૦૦ કરોડ ટ્રાન્સફર થાય તો ઇડી જ બીજા દિવસે આવીને રેડ પાડી જાય. બધું જ ધ્યાન રાખતી હોય. દરેક ટ્રસ્ટના દર ત્રણ મહિને ઓડિટ રિપોર્ટ કારભારીએ સેન્ટ્રલ હોમ મિનિસ્ટર ડિપાર્ટમેન્ટમાં મોકલવા પડે. અમે નારાયણપુરા રોડ પર હોસ્પિટલ બનાવવા જઇ રહ્યા છીએ, અમારી પાસે માત્ર ૭૫ કરોડની એફડી છે, ક્યાં ૧૫૦૦ કરોડ લેવા જવાના છે.

કે.પી. સ્વામી મૂળ રતનપરના વતની

સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળી મંદિરમાં તપાસ કરતાં વહીવટકર્તાએ કે.પી. સ્વામી મૂળી મંદિરના નહીં, રતનપરના છે તેમ કહ્યું હતું. આત્મપ્રકાશ સ્વામી પણ સાયલાના છે તેમ જણાવ્યું હતું.

ટ્રસ્ટી મંડળે જાહેર ચેતવણી આપી હતી

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટી મંડળે ૩ મે ૨૦૧૮ના રોજ સંપ્રદાયના અંકમાં જાહેર ચેતવણીમાં કહ્યું હતું કે, સંપ્રદાયના અનુયાયી તરીકે ઓળખ આપીને અમુક વ્યક્તિઓ સંસ્થા માટે જમીન ખરીદવાની હોય તેવી ખોટી વાતો ફેલાવી છેતરપિંડી કરી રહ્યા છે. સરકારશ્રી સમક્ષ પણ માંગણી કરતી આવી અરજી સંસ્થાના ધ્યાને આવી છે. આવી વ્યક્તિઓ પર સંસ્થા દ્વારા ફોજદારી રાહે પગલાં ભરવામાં અાવેલ છે.

શંકા ગઇ એટલે કાલુપુર મંદિરમાં જ મિટિંગ ગોઠવી

સોનેશ પટેલે કહ્યું કે, મને થોડી શંકા ગઇ હતી એટલે અમે મંદિરમાં જ મિટિંગ ગોઠવી હતી. મારા વકીલ, આણંદ તેમજ રાશના મિત્ર પણ મારી સાથે હતા. અમને કાલુપુર મંદિરના સભા હોલમાં જ જમાડ્યા હતા અને ત્યાં જ બેઠા હતા. કે.પી. સ્વામી એકલા જ હતા. મારી વકીલ સાથે જ રૂા. ૧૫૦૦ કરોડના ફંડવાળી વાત થઇ હતી. વકીલે ડીસીબી અને એેલસીબીમાં જવાબમાં પણ ૧૫૦૦ કરોડની વાત થઇ હોવાનું લખાવ્યું જ છે. તેમણે કહ્યું હતું કે મૂળી મંદિર હું સંભાળું છું અને કાલપુર મંદિરના તાબાનું જ છે. નવેમ્બર ૨૦૧૭માં ડીસીબીમાં ત્રણે સંતોનાં નિવેદન લેવાયાં ત્યારે કાલુપુર મંદિરના એક મહંત ત્યાં આવ્યા હતા.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article