/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/26101604/download-5.jpg)
ભારતના ચૂંટણી પંચે શુક્રવારે બિહાર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે, બિહાર વિધાનસભાની કુલ ૨૪૩ વિધાનસભા બેઠકો માટે ૨૮ ઓક્ટોબર, ૩ નવેમ્બર અને ૭ નવેમ્બર એમ ૩ તબક્કામાં મતદાન યોજાશે. ૧૦મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે ત્યારે જ દેશમાં ચૂંટણી કમિશન દ્વારા પહેલી મોટી ચૂંટણીનું આયોજન કરાયું છે. આ માટે ચૂંટણી પંચ દ્વારા ઘણા પગલાંની જાહેરાત પણ કરાઇ છે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે જ બિહારમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઇ છે. બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરતાં અરોરાએ જણાવ્યું હતું કે, ૨૮ ઓક્ટોબરના રોજ પહેલા તબક્કામાં ૧૬ જિલ્લાની ૭૧ બેઠકો, ૩ નવેમ્બરના રોજ બીજા તબક્કામાં ૧૭ જિલ્લાની ૯૪ બેઠકો અને ૭ નવેમ્બરના રોજ ત્રીજા તબક્કામાં ૧૫ જિલ્લાની ૭૮ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.
અરોરાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે આખું વિશ્વ બદલાઇ ગયું છે અને નવા નિયમો સ્થાપિત થયા છે. સમગ્ર વિશ્વમાં જ્યારે દેશો ચૂંટણીઓ મોકૂફ રાખી રહ્યા છે ત્યારે મતદારોના લોકતાંત્રિક અધિકાર અને આરોગ્ય અંગે સંતુલન જાળવવું જરૂરી હતું. તેથી ચૂંટણી પંચે તૈયારીઓ માટે ઘણા મહિના મહેનત કરી છે. સોશિયલ મીડિયાના દુરુપયોગ પર અરોરાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ઓનલાઇન એક્ટિવિટિઝ પર ચાંપતી નજર રાખશે અને કોમી તણાવ ફેલાવવાનો પ્રયાસ કરનાર કોઇની પણ સામે કાયદો આકરા હાથે કામ લેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીઓએ પણ આ મામલે ચાંપતી નજર રાખી તેમની સિસ્ટમ મોનિટર કરવી પડશે. અમે ફક્ત પ્લેટફોર્મ પ્રોવાઇડર્સ છીએ તેવા બહાના ચલાવી લેવાશે નહીં.
ગુજરાત સહિતની પેટા ચૂંટણીઓ અને વિધાનપરિષદની ચૂંટણીઓ પર ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, અમને દક્ષિણ ભારતના કેટલાંક રાજ્યો સહિત ચોક્ક્સ રાજ્યોના મુખ્ય સચિવો અને ચૂંટણી અધિકારીઓના પત્રો મળ્યા છે. તેમણે અમને ચૂંટણીઓ મોકૂફ રાખવાની વિનંતી કરી છે. અરોરાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા કરાયેલી વિનંતીઓ પર ચૂંટણી પંચ દ્વારા વિચારણા કરાશે અને પેટાચૂંટણીઓ યોજવા અંગેનો નિર્ણય ૨૯મી સપ્ટેમ્બરે જાહેર કરાશે.