/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/12140033/maxresdefault-143.jpg)
અંકલેશ્વર શહેરના મોટાભાગના રસ્તાઓ ઉબડખાબડ બની જવાથી વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહયાં હતાં. કુંભકર્ણની નિંદ્રા માણી રહેલાં તંત્રને જગાડવા માટે યુવા કોંગ્રેસે આંદોલનની ચીમકી આપતાં તંત્રમાં દોડધામ મચી હતી અને તાબડતોબ પેચવર્ક શરૂ કરી દેવામાં આવ્યું હતું
ચોમાસાની શરૂઆત થતાંની સાથે અંકલેશ્વર શહેરના મોટાભાગના રસ્તાઓ ધોવાય ગયાં છે. ખખડધજ રસ્તાઓને કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહયાં છે. રસ્તાઓ ખરાબ હોવા છતાં તેનું રીપેરીંગ કરાવવામાં આવતું ન હોવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો. આખરે યુવા કોંગ્રેસે રસ્તાઓના મુદ્દે આંદોલનની ચીમકી આપી હતી. યુવા કોંગ્રેસની ચીમકી બાદ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બિસ્માર બની ગયેલાં રસ્તાઓના પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વાલીયા ચોકડી, રાજપીપળા ચોકડી સહિત અનેક સ્થળોએ રસ્તાના ખસ્તાહાલ છે. ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયાં હોવાથી વાહનોને નુકશાન થઇ રહયું છે તેમજ અકસ્માતના બનાવો પણ બની રહયાં છે.