/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/01163015/maxresdefault-7.jpg)
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી 11 લાખ કયુસેક જેટલું પાણી છોડવામાં આવતાં ગોવાલી, મુલદ અને માંડવા સહિતના ગામોની 600 એકર જમીનમાં ખેતી ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેતીનો દાટ વળી જતાં ખેડૂતોના માથે આભ ફાટ્યું છે.
મધ્યપ્રદેશમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે સતત બીજા વર્ષે પણ નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 34 ફુટ સુધી પહોંચી હતી. જોકે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દેતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલું પાણી મુલદ, ગોવાલી, માંડવા સહિતના ગામોના ખેડૂતો માટે આફત બનીને આવ્યું છે. ખેડૂતોના ખેતરો નદીની ખૂબ જ નજીક હોવાથી નદીમાં જ્યારે પણ પુર આવે છે, ત્યારે ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઇ જાય છે.
નર્મદા નદીમાં આવેલા પુરના કારણે ખેતરોમાં 15 ફૂટ સુધીના પાણી ભરાયા છે. જેના કારણે કેળ, શેરડી, કપાસ અને શાકભાજી સહિતનો પાક ધોવાય ગયો છે. ગત વર્ષે થયેલાં નુકશાનનું વળતર હજી ખેડૂતોને મળ્યું નથી, ત્યારે ફરી એક વખત તેમનો પાક નષ્ટ થવાથી ખેડૂતોના માથે આભ ફાટ્યું છે. ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે સરકારી અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં તેનું કોઈ નિરાકરણ નહી આવતા ધરતીપુત્રોમાં રોષ જોવા મળ્યો છે. જો આ વર્ષે ખેડૂતોને થયેલા નુકશાની સર્વે કરી સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.